
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટમાં નવમા માળેથી પડતું મૂકી ૨૩ વર્ષીય પરિણીતા માનસીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પિતા લલિતભાઈ સોલંકીની ફરિયાદના આધારે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ મિલન રાજેશભાઈ આંબલીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ (આપઘાતની દુષ્પ્રેરણા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દીકરીના અંતિમ સંસ્કાર અને વિધિ પૂર્ણ થયા બાદ પિતાએ પોલીસ મથકે પહોંચી જમાઈ સામે પુત્રીને મરવા મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, માનસીએ સાડા ત્રણ વર્ષ પહેલાં મિલન આંબલીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પતિ મિલન 'ફ્યુઝન સલૂન' નામનું પાર્લર ચલાવતો હતો અને તેની પાર્ટનર સાથે તેને આડા સંબંધો હોવાની માનસીને જાણ થઈ હતી. આ બાબતે વારંવાર ના પાડવા છતાં મિલન માનસી સાથે ઝઘડા કરી માનસિક ત્રાસ આપતો હતો અને તારે જ્યાં જવું હોય ત્યાં જા, તું મને જોઈતી નથી કહી હેરાન કરતો હતો.
ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ પતિ સાથે વિવાદ થતાં પિતા માનસીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. પિતા દુકાને ગયા બાદ માનસીએ કંટાળીને નવમા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ગંભીર હાલતમાં તેને એઇમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt