





પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી
અને સહજતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોરબંદરમાં કેતનભાઈ ગજ્જરના નિવાસસ્થાન
“ગોવિંદા” (Govinda) ખાતે મુખ્યમંત્રીએ દ્રષ્ટિહીન તથા
વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની વચ્ચે બેસીને સહજ અને પારિવારિક વાતાવરણમાં ભોજન
લીધું હતું. મુખ્યમંત્રી સાથે બેસીને ભોજન કરવાનો અવસર
મળતાં બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. અનેક બાળકો માટે આ ક્ષણ અત્યંત
લાગણીસભર અને અવિસ્મરણીય બની રહી હતી. મુખ્યમંત્રીએ પણ બાળકો સાથે
આત્મીયતાપૂર્વક વાતચીત કરી,
તેમની સાથે સમય વિતાવ્યો અને તેમના
આનંદમાં સહભાગી થયા હતા.
કોઈ વિશેષ ઔપચારિકતા વિના યોજાયેલા આ ભોજન પ્રસંગમાં
બાળકો અને મુખ્યમંત્રી વચ્ચેનો સહજ સંવાદ વિશેષ આકર્ષણ બન્યો હતો. બાળકોનો નિખાલસ
આનંદ અને મુખ્યમંત્રીની સાદગી, સહજતા
તથા આત્મીયતાએ સમગ્ર વાતાવરણને પારિવારિક અને લાગણીસભર બનાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન લોકગાયક બ્રિજરાજ ગઢવી
દ્વારા હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પણ બાળકો તથા
ઉપસ્થિત સૌ સાથે હનુમાન ચાલીસાના સમૂહગાનમાં જોડાયા હતા. આ સમૂહગાનથી સમગ્ર
વાતાવરણ ભક્તિમય અને ભાવસભર બન્યું હતું.
આ પ્રસંગે બાલા હનુમાન ગ્રુપ દ્વારા દિવ્યાંગ
બાળકોની સેવા, શિક્ષણ અને પુનર્વસન ક્ષેત્રે કાર્યરત
ચાર સેવાભાવી સંસ્થાઓને પ્રત્યેક રૂ. 2.11 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
સહાયના ચેક મુખ્યમંત્રીના હસ્તે ચારેય સંસ્થાઓના પ્રતિનિધિઓને અર્પણ કરવામાં આવ્યા
હતા.
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ કેતનભાઈ ગજ્જરને
બાળકો સાથે આ સુંદર, આત્મીય અને યાદગાર ભોજનનું આયોજન કરવા
બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાળકો સાથે વિતાવેલી આ આત્મીય સાંજ અને ભોજનનો પ્રસંગ
જીવનભર યાદ રહે તેવી સ્મૃતિ બની રહેશે તેવી લાગણી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
પોરબંદરમાં યોજાયેલ આ પ્રસંગ સાદગી, સહજતા, સેવા, સંવેદના અને સામાજિક સમરસતાનો સુંદર
સંદેશ આપતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
આ આત્મીય પ્રસંગે મુખ્યમંત્રી સાથે કેબિનેટ
મંત્રી અર્જુન મોઢવાડિયા,
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ
બોખીરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ જિલ્લા પ્રભારી વિમલભાઈ કરગઠિયા
તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી અને જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ
ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે ભોજનમાં સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya