
નવી દિલ્હી, 2 ઓક્ટોબર (હિ.સ.). નવી દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર સામે, આમ આદમી પાર્ટી (આપ) અને કેટલાક વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલા વિરોધને ધ્યાનમાં રાખીને, દિલ્હી મેટ્રોએ શુક્રવારે 11 મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ બંધ કર્યો, જેમાં રાજીવ ચોક, સેન્ટ્રલ સચિવાલય અને જંતર-મંતર નજીક પટેલ ચોકનો સમાવેશ થાય છે.
એક્સ પર એક પોસ્ટમાં, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ જણાવ્યું હતું કે, જનપથ, પટેલ ચોક, સેન્ટ્રલ સચિવાલય, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડી હાઉસ, લોક કલ્યાણ માર્ગ, આઈએનએ, ચાવરી બજાર, રામકૃષ્ણ આશ્રમ માર્ગ અને નવી દિલ્હી સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ આગામી સૂચના સુધી બંધ રહેશે. જો કે ડીએમઆરસી એ જણાવ્યું હતું કે, રાજીવ ચોક, મંડી હાઉસ, નવી દિલ્હી અને સેન્ટ્રલ સચિવાલય સ્ટેશનો પર ઇન્ટરચેન્જ (મેટ્રો ટ્રેન પરિવર્તન) સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) વિરુદ્ધ કાર્યકરો, રાજકીય નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના આહ્વાન અને દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પાસેથી જવાબદારી લેવાની માંગણીના જવાબમાં જંતર-મંતર પર પોલીસ, આરએએફ કર્મચારીઓ અને રમખાણો વિરોધી વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અને મતદારોના નામ મોટા પાયે કથિત રીતે કાઢી નાખવાના મામલે સીપીઆઈ(એમ), આમ આદમી પાર્ટી (આપ), અને કેટલાક વિદ્યાર્થી સંગઠનો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષની વિદ્યાર્થી પાંખ, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (એઆઈએસએ), કોંગ્રેસ પાર્ટીનું નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઈ) અને ભારતીય યુવા કોંગ્રેસ (આઈવાયસી) આ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરી રહ્યા છે. દરમિયાન, નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી જિલ્લામાં બીએનએસએસની કલમ 163 લાગુ છે. અહીં કોઈ વિરોધ, કૂચ વગેરેની મંજૂરી નથી. તેમણે ઉમેર્યું હતું કે જંતર-મંતર પર પ્રદર્શન માટે સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે, અને હું દરેકને કાયદાનું પાલન કરવા વિનંતી કરું છું...
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ