
પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.) : આત્મા
પ્રોજેક્ટ પોરબંદરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ કુતિયાણા
તાલુકાના કટવાના ગામે આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટીમ મેનેજર (ATMA) અશ્વિન મોરી દ્વારા કિસાન ગોષ્ઠિનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. આર.બી. થાનકી ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન
ગોષ્ઠિ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્રપાક અંગે વિસ્તૃત
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા
પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. ખરીફ પાક, પિયત અને બિનપિયત પાક તેમજ બાગાયતી
પાકોમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવી શકાય તે અંગે ખેડૂતોને માર્ગદર્શન
અપાયું હતું.
ખેતીમાં
રાસાયણિક ખાતર ખાસ કરીને ડી.એ.પી.નો વપરાશ ઘટાડીને જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ
વધારવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગાયનું મહત્વ અને
પ્રાકૃતિક ખેતીમાં તેના ઉપયોગથી થતા લાભો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
ગોષ્ઠિ દરમિયાન ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા યોગ્ય
નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ
પ્રસંગે આસિસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી
મગફળી જેવા મહત્વના પાકમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું
હતું. વધુમાં, ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી સીધા
ગ્રાહકો સુધી વેચાણ કરવામાં આવે તો ખેડૂતોને વધુ આવક પ્રાપ્ત થઈ શકે તે અંગે પણ
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ
કિસાન ગોષ્ઠિનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારી ખેતી
ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને
ખેડૂતોની આવકમાં વૃદ્ધિ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya