

પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર કૃપેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર સહરભાઈ દેસાઈ અને પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલિકાની તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનાર કુલ 14 એકમો પાસેથી રૂ.17,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેપારીઓ પાસેથી અંદાજે 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાની કાર્યવાહીને પગલે નિયમોનું પાલન કરવા વેપારીઓ અને એકમ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકે તે માટે લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ