
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલમાં રહેતા અને સરધાર ગામે કપડાંનો વ્યવસાય કરતા ૩૨ વર્ષીય સાગરભાઈ જયરાજભાઈ સીંધવ નામના વેપારી સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે. ૨૭મી તારીખે સાંજના સમયે વેપારી પોતાના ઘરે હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દીમાં વાત કરીને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન મોબાઈલમાં શરૂ કરાવવાના બહાને વોટ્સએપ વિડીયો કોલ ઉપાડવા જણાવ્યું હતું.
ત્યારબાદ વોટ્સએપ પર વિડીયો કોલ કરીને સામા પક્ષે રહેલા શખ્સે ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી. તેણે પોતાની ઓળખ બેંકના કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે આપીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા. ગઠિયાએ ચાલાકી વાપરીને વેપારી પાસે તેમના મોબાઈલની સ્ક્રીન શેર કરાવી લીધી હતી અને માત્ર ૧૫થી ૨૦ સેકન્ડ સુધી જ વિડીયો કોલ પર વાત કરીને ફોન કાપી નાખ્યો હતો.
સ્ક્રીન શેર થતાં જ ગઠિયાએ ક્રેડિટ કાર્ડનો એક્સેસ મેળવી લીધો હતો. જે બાદ વેપારીના મોબાઈલ પર એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના અલગ-અલગ આશરે ૧૨ જેટલા ઓટીપી આવ્યા હતા. વેપારી કાંઈ સમજે તે પહેલાં જ સાયબર ફ્રોડ કરનારે કટકે-કટકે ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.૭૩,૭૦૭ રકમ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હોવાના મેસેજ આવવા લાગ્યા હતા.
પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ વેપારીએ ત્વરિત સાયબર હેલ્પલાઈન નંબર પર ઓનલાઈન અરજી કરી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા સાયબર ક્રાઈમ કરનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt