
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાસક અને વિપક્ષી પક્ષોના અનેક નેતાઓ સાથે, શુક્રવારે દિલ્હીના રાજઘાટ અને વિજયઘાટની મુલાકાત લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને, તેમની 122મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેતાઓએ બંને મહાપુરુષોના સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાન અને આદર્શોને યાદ કર્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, એક્સ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, તેઓ તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓ વતી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે, મહાત્મા ગાંધીનો સત્ય અને અહિંસા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ, ન્યાય પ્રત્યેની તેમની દ્રઢ પ્રતિબદ્ધતા અને દરેક વ્યક્તિના ગૌરવમાંનો તેમનો વિશ્વાસ માનવતાને પ્રેરણા આપે છે. તેમનું જીવન અને સંદેશ શાંતિ, કરુણા, નિઃસ્વાર્થતા અને સેવા માટે કાયમી પ્રેરણા છે.
તેમણે એમ પણ કહ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રી શાંત શક્તિ અને અસાધારણ સંકલ્પથી સંપન્ન નેતા હતા. રાષ્ટ્ર પ્રત્યેની તેમની નમ્રતા, પ્રામાણિકતા અને અતૂટ સમર્પણ અનુકરણીય છે. તેમનું જીવન શીખવે છે કે સાચું નેતૃત્વ સાદગી, હિંમત અને રાષ્ટ્ર સેવામાં રહેલું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના આદર્શોએ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે અને જ્યાં સુધી તેમનો પ્રવાહ માનવતા સાથે જોડાયેલો રહેશે ત્યાં સુધી તે સુસંગત રહેશે. સ્વદેશી અપનાવવા પર ગાંધીજીના ભારનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ ખાદીને તેનું મુખ્ય ઉદાહરણ ગણાવતા તેમણે કહ્યું કે, બાપુનો શાશ્વત સંદેશ દરેકને વધુ સારા સમાજ અને વિકસિત ભારત તરફ માર્ગદર્શન આપતો રહેવો જોઈએ.
લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક ભારતીયને ગર્વ અપાવે છે, જ્યારે તેમનો સંકલ્પ ખડક જેવો મક્કમ હતો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ગાંધીજીનો સત્ય, અહિંસા અને માનવતાનો જીવન સંદેશ કાલાતીત છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, મહાત્મા ગાંધીનો સામાજિક સંવાદિતા, સ્વચ્છતા અને જાહેર સેવા પરનો ભાર આજે પણ સુસંગત છે. તેમનું જીવન અને આદર્શો આપણને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો પૂર્ણ કરવા પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન અને આદર્શો આવનારી પેઢીઓને પ્રામાણિકતા, ફરજ અને દેશભક્તિના મૂલ્યો સાથે પ્રેરણા આપતા રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ સાદગીને પરંપરા, ફરજને અનુસરણ અને રાષ્ટ્ર સેવાને જીવનનો મૂળભૂત મંત્ર બનાવ્યો. તેમના આદર્શો હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના જીવનથી સંદેશ મળ્યો કે જો કાર્યોમાં પ્રામાણિકતા અને વિચારોમાં શુદ્ધતા હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે,મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપી હતી, અને તેમનું જીવન પોતે એક આદર્શ હતું. સ્વદેશી અને સ્વરાજના તેમના વિચારો પેઢી દર પેઢી પ્રેરણા આપતા રહેશે. તેમણે લાલ બહાદુર શાસ્ત્રીના સાદગીભર્યા જીવન અને વ્યક્તિત્વને પણ શ્રદ્ધાંજલિ આપી.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, અહિંસાના પ્રણેતા ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિમાં રહેલી શાંતિ અને સંવાદિતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો. રાષ્ટ્રીય એકતા અને વિકાસ અંગેના તેમના વિચારો દરેક યુગમાં સુસંગત રહેશે.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશની સ્વતંત્રતા માટે સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો. અહિંસા, સ્વચ્છતા અને રાષ્ટ્રસેવા અંગેના તેમના વિચારો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય, અહિંસા અને નિર્ભયતા બાપુનો સૌથી મોટો વારસો છે. તેમણે આપણને અન્યાય સામે ક્યારેય ન નમવાનું શીખવ્યું. સત્ય અને અહિંસા સાથે અડગ રહેવું એ જ સાચી શક્તિ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ માત્ર ભારતના સ્વતંત્રતા સંગ્રામનું માર્ગદર્શન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને માનવતા, કરુણા અને શાંતિનો માર્ગ પણ બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધીવાદી મૂલ્યો અને ઉચ્ચ આદર્શોથી ભરપૂર લાલ બહાદુર શાસ્ત્રીનું સરળ જીવન હંમેશા દરેકને પ્રેરણા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ