
સોમનાથ,02 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સૂત્રાપાડા નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશેષ અવસરે શહેરમાં સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરવાના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.ગાંધીજીના સ્વચ્છતા અને ગ્રામઉત્કર્ષ વિચારોને વરેલા આ પર્વ નિમિત્તે અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા શ્રમદાન કરી જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ઉપસ્થિત સર્વેએ પોતાના ઘર, આસપાસના વિસ્તાર અને સમગ્ર નગરને સ્વચ્છ રાખવા તથા સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગેના શપથ લીધા હતા.
પર્યાવરણના જતન અને હરિયાળા સૂત્રાપાડાના સંકલ્પ સાથે સરકારી સંકુલ તેમજ આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સૂત્રાપાડા નગરપાલિકાના પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ