
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામ આણંદપર નજીક સરકારી ખરાબાની જમીનમાં ચંદનના ઝાડની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ૨૧૩ નંગ લીલા ગાંજાના છોડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૨,૦૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ૭૦ વર્ષના વૃદ્ધની અટકાયત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડને બાતમી મળી હતી કે નવાગામ આણંદપર સ્મશાન નજીક સરકારી ખરાબામાં ઓરડી બનાવીને રહેતો શખ્સ ચંદનના વાવેતરની આડમાં ગાંજો ઉગાડી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એસ.આઈ. અને સ્ટાફે બે સરકારી પંચોને સાથે રાખીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઓરડી નજીક ખાટલામાં બેઠેલા શખ્સને ઘેરી લીધો હતો.
તપાસ દરમિયાન આશરે ૧૦૦૦ વાર જમીનમાં ચંદનના ઝાડ વચ્ચે ફેન્સિંગ પાસે ક્યારા બનાવી વાવેલા ૨૧૩ નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. કાયદેસરની ખાતરી માટે એફ.એસ.એલ. અધિકારીને સ્થળ પર બોલાવાયા હતા, જેમણે પ્રાથમિક રાસાયણિક પરીક્ષણમાં કેનાબીસની હાજરી હોવાની પુષ્ટિ કરી હતી. તોલમાપ કરતા ૪ કિલો અને ૧૦ ગ્રામ વજન ધરાવતા આ છોડની કિંમત રૂ. ૨,૦૦,૫૦૦ આંકવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી આરોપી પાસે રહેલો રૂ. ૫,૦૦૦ નો મોબાઈલ અને વીજબીલ કબ્જે કર્યા હતા. ઝડપાયેલા ૭૦ વર્ષીય આરોપી રમણીકભાઈ દેવજીભાઈ દલસાણીયા મૂળ ઉપલેટાના અરણી ગામના વતની છે અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં ભાડેથી રહે છે. ગાંજાના વાવેતર અંગે તેમની પાસે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt