રાજકોટ : વીંછિયાના દેવધરીમાં સરકારી શાળાના બાંધકામ સ્થળે કારમાં ધસી આવેલા શખ્શોએ કામ બંધ કરાવ્યું
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના વીંછિયા તાલુકાના દેવધરી ગામે સરકારી પ્રાથમિક શાળાના નિર્માણ કાર્ય દરમિયાન ખાચર બંધુઓ દ્વારા કોન્ટ્રાક્ટરને ધમકાવીને કોન્ટ્રાક્ટ છીનવી લેવાનો પ્રયાસ કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જસદણના આંકડીયા ગામના અનિરુદ
ફરિયાદ


રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના વીંછિયા તાલુકાના દેવધરી ગામે સરકારી પ્રાથમિક શાળાના નિર્માણ કાર્ય દરમિયાન ખાચર બંધુઓ દ્વારા કોન્ટ્રાક્ટરને ધમકાવીને કોન્ટ્રાક્ટ છીનવી લેવાનો પ્રયાસ કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જસદણના આંકડીયા ગામના અનિરુદ્ધ ખાચર અને પ્રતાપ ખાચરે બળજબરીથી ટેન્ડર પોતાના નામે કરી લેવા માટે સાઈટ પર ધાકધમકી આપી કામ અટકાવી દીધું હતું. આ મામલે સુરતના બાંધકામ વ્યાવસાયિકે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની વિગત મુજબ, સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને 'સી.આર. ઈન્ફ્રા' નામે બાંધકામ પેઢી ધરાવતા અલ્પેશભાઈ વઘાસીયાને દેવધરી ગામે સરકારી શાળાનું બાંધકામ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ગત ૨૭મી સપ્ટેમ્બરના રોજ અલ્પેશભાઈ અને સાઈટ ઈન્ચાર્જ વિનુભાઈ સાઈટ પર હાજર હતા, ત્યારે કાળા રંગની થાર ગાડીમાં અનિરુદ્ધ વલકુ ખાચર નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે કોન્ટ્રાક્ટરને કોને પૂછીને કામ ચાલુ કર્યું છે? તેમ કહી તુરંત જ બાંધકામ અટકાવી દેવા અને ટેન્ડર તેને આપી દેવા દાદાગીરી કરી હતી.

જે બાદ, કોન્ટ્રાક્ટરે આ સરકારી કામ હોવાનું જણાવી કામ બંધ કરવાની ના પાડતા અનિરુદ્ધ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પણ આ શખ્સે સાઈટ મેનેજર ખોડાભાઈને ધમકાવી બળજબરીથી બાંધકામ બંધ કરાવી દીધું હતું. તા. ૨૯ના રોજ અનિરુદ્ધના વોટ્સએપ કોલ બાદ કોન્ટ્રાક્ટર જસદણ ખાતે તેના ભાઈ પ્રતાપ ખાચરને મળ્યા હતા, જ્યાં પ્રતાપે પણ કોન્ટ્રાક્ટ પોતાના નામે કરી દેવા બાબતે ગાળાગાળી કરી ધમકી આપી હતી.

સરકારી કામકાજમાં ગેરકાયદેસર અવરોધ ઉભો કરી, બળજબરીથી કોન્ટ્રાક્ટ પડાવી લેવાનો પ્રયાસ કરનાર અનિરુદ્ધ ખાચર અને પ્રતાપ ખાચર સામે અલ્પેશભાઈએ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે રાયોટિંગ, ગેરકાયદે મંડળી રચવી અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande