
ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.)“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન વિવિધ સેવાકીય અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. અભિયાનના ભાગરૂપે મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા તથા પર્યાવરણ જતન માટે શ્રમદાન કરવામાં આવી રહ્યું છે.
મહેસૂલ વિભાગ માટે 2 ઓક્ટોબર, 2026ના રોજ સ્વચ્છતા અંગેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ અને નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવણીના માર્ગદર્શન હેઠળ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
અભિયાન દરમિયાન કલેક્ટર કચેરીના પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવા માટેની કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો. કચેરી પરિસરને સ્વચ્છ અને સુંદર રાખવા ઉપરાંત જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે પણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ જતન અને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન દ્વારા કચેરી અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છ વાતાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભાવનગર શહેર પ્રાંત અધિકારી અંકિત પટેલ, ભાવનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી તમન્ના ઝાલોડીયા, જિલ્લા પુરવઠા અધિકારી કેતન ચાવડા, મામલતદાર, નાયબ મામલતદાર તથા મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA