
કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) અંજાર ટાઉન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરફેર સામે કાર્યવાહી કરતાં અંજાર પોલીસે સફેદ રંગની સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે યુવકોને ઝડપી લઈ કુલ રૂ.3.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરફેર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની દેખરેખમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્ક મારફતે વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે યોગેશ મનજીભાઈ સુથાર અને રાહુલ હરેશ બડગા નામના બે શખ્સો સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અંજારના ડી.વી. સ્કૂલ તરફથી ડાચા રોડ થઈ કોર્ટ તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે જણાવેલા માર્ગ પર નજર ગોઠવી શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન J&B બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની 12 બોટલ, Johnnie Walker Red Labelની 12 બોટલ, Smirnoff વોડકાની 12 બોટલ તેમજ Cheetah Extra Strong Beerની 182 ટીન મળી આવી હતી. આ ઉપરાંત દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી મારૂતિ સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂ સહિત સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.3.87 લાખ હોવાનું જણાવાયું છે.
આ કેસમાં પોલીસે યોગેશ મનજીભાઈ સુથાર, અંજાર અને રાહુલ હરેશબડગા,અંજારની ધરપકડ કરી છે. જ્યારે સુમીત ચાવડા, રહે. અંજાર સહિત અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા અને અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar