ધ્રંગમાં જમીનના હક્ક માટે અનોખો વિરોધઃ ટ્રેક્ટરથી ખેડાણ કરી અનુસૂચિત જાતિ સહકારી મંડળીએ કબજો દર્શાવ્યો
કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ તાલુકાના ધ્રંગ ગામે અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીની જમીનના હક્ક અને કબજાને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે ફરી એકવાર જોર પકડ્યું છે. જમીનનો કાયદેસર કબજો સોંપવાની માંગ સાથે મંડળીના સભ્યો અને આગેવાનો ધ્રંગ ગામે એકત
ધ્રંગ સહકારી મંડળી


કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ તાલુકાના ધ્રંગ ગામે અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીની જમીનના હક્ક અને કબજાને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે ફરી એકવાર જોર પકડ્યું છે. જમીનનો કાયદેસર કબજો સોંપવાની માંગ સાથે મંડળીના સભ્યો અને આગેવાનો ધ્રંગ ગામે એકત્ર થયા હતા. અહીં સર્વે નંબર 29ની જમીન પર ટ્રેક્ટર ચલાવી ખેડાણ કરવામાં આવ્યું હતું અને આ રીતે સ્થળ પર પ્રતિકાત્મક રીતે કબજો મેળવવામાં આવ્યો હતો.

જમીનના પ્રશ્નને લઈને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મંડળીના સભ્યો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર લોકોએ સ્થળ પર જ સામૂહિક ભોજન કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાર્યક્રમનો હેતુ લાંબા સમયથી પડતર રહેલા જમીનના પ્રશ્ન અંગે તંત્રનું ધ્યાન દોરવાનો અને મંડળીની એકતા દર્શાવવાનો હતો.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ જિલ્લા પ્રમુખ અને એડવોકેટ હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ધ્રંગ ખાતે કરવામાં આવેલું ખેડાણ માત્ર પ્રતિકાત્મક કાર્યવાહી નથી, પરંતુ જમીનના હક્ક અંગે તંત્ર સમક્ષ મંડળીની માંગને મજબૂત રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. તેમના જણાવ્યા મુજબ, મંડળીની જમીનો અંગેનો પ્રશ્ન લાંબા સમયથી પેન્ડિંગ છે અને હવે મહેસૂલ તંત્ર દ્વારા તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.

મંડળી તરફથી કચ્છ જિલ્લા કલેક્ટર તથા ભુજ મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સંબંધિત જમીનોની સ્થળ પર હદચોકસાઈ સહિતની જરૂરી મહેસૂલી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને હકદાર મંડળીને કાયદેસર કબજો સોંપવામાં આવે.

મંડળીના સભ્યોએ જણાવ્યું હતું કે જમીનના હક્ક અંગે તેમની લડત કાયદાકીય અને બંધારણીય માર્ગે આગળ પણ ચાલુ રહેશે. કાર્યક્રમમાં ભુજ અનુસૂચિત જાતિ મંડળીના ઉપપ્રમુખ રાજેશ શેખવા સહિત પંકજ નોરિયા, ભરત દાફડા, દીપ્તિબેન ખત્રી, જગદીશ સોંધરા, ખીમજી મહેશ્વરી, નુરમામદભાઈ, ભીમ આર્મીના હરી પરમાર, સામજીભાઈ, હરેશ મહેશ્વરી અને અનિલ મહેશ્વરી સહિતના આગેવાનો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande