


કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે આજે તા. ૨ ઓક્ટોબરના રોજ અંજાર તાલુકાના દુધઈ ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના ગ્રામસ્વરાજ અને સ્વચ્છતાના વિચારોને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ ગ્રામસભામાં ગામના વિકાસ સાથે જોડાયેલા વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોને અસર કરતા પાયાના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા તેમજ જરૂરી કામગીરીને ગતિ આપવા અંગે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
ગ્રામસભામાં અંજાર તાલુકા પંચાયત કચેરી તરફથી મેહુલ વ્યાસ, IRDP ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તલાટી-મંત્રી ગઢવી સાહેબ, ગ્રામ પંચાયતના સભ્યો પ્રેમિલાબેન સુથાર, હિતેશભાઈ દરજી અને કુંવરબેન પટેલ સહિત ગામના આગેવાનો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દુધઈના યુવા ઉદ્યોગપતિ નાથાલાલ પ્રભુ, મમુભાઈ રબારી તેમજ આરોગ્ય વિભાગની બહેનો પણ ગ્રામસભામાં જોડાયા હતા.
બેઠક દરમિયાન ગામમાં વધુમાં વધુ લોકઉપયોગી કામોને પ્રાથમિકતા આપીને તેને ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને દુધઈ ગામમાં વારંવાર સર્જાતી પાણીની સમસ્યા ગ્રામજનો માટે મહત્વનો મુદ્દો બની રહી છે. આ સમસ્યાના કાયમી અને વ્યવસ્થિત ઉકેલ માટે નવા આયોજન સાથે આગળ વધવા અંગે વિચારણા કરવામાં આવી હતી. પાણી પુરવઠાની વ્યવસ્થામાં જરૂરી સુધારા કરીને લોકોને નિયમિત અને પૂરતું પાણી મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરવાની વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગામના કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા અને સ્વચ્છતાને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં ગટરો ઉભરાતી હોય અથવા સફાઈની જરૂરિયાત હોય તેવા સ્થળોએ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સંબંધિત તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ગ્રામસભા દરમિયાન ગામના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક લોકો, ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન વધારવા પર પણ ભાર મૂકાયો હતો. આગામી સમયમાં દુધઈ ગામના જરૂરી અને લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તબક્કાવાર કામગીરી આગળ વધારવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar