




કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ માર્ગ સલામતી, સાયબર સુરક્ષા અને નશીલા પદાર્થોના દુષણ સામે જનજાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુર, અંજાર, કંડલા-રામપર, ભચાઉ, વાંઢીયા અને કાનમેર સહિતના વિસ્તારોમાં યોજાયેલા સેમિનારો અને જાગૃતિ કાર્યક્રમોમાં 5,800થી વધુ લોકોને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આદિપુર શહેરમાં પંચમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ દરમિયાન ડી.વાય.એસ.પી. એ.વી. રાજગોરની ઉપસ્થિતિમાં સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વેપારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
સાયબર ફ્રોડથી બચવા માટે મોબાઇલ અને સોશિયલ મીડિયા વપરાશ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ આપવામાં આવી હતી. ટુ-સ્ટેપ વેરિફિકેશન સક્રિય રાખવું, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો અને અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત કે બેન્કિંગ માહિતી શેર ન કરવી જેવા સુરક્ષા ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડી, ફિશિંગ અને વોઈસ કોલ દ્વારા થતા ફ્રોડ તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગ અંગે પણ લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
થોડા પૈસાની લાલચમાં પોતાનું બેન્ક એકાઉન્ટ અન્ય વ્યક્તિને આપવાથી ‘મ્યુલ એકાઉન્ટ’ના ગેરકાયદે વ્યવહારમાં ફસાઈ જવાની શક્યતા અંગે પણ ખાસ ચેતવણી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી વખતે સાવચેતી રાખવા મહિલાઓને પણ માર્ગદર્શન અપાયું હતું.
આ સાથે અંજારની રતનાલ ઉચ્ચતર માધ્યમિક શાળા, રામપર પંચાયતી પ્રાથમિક શાળા, દુધઈ, ભચાઉની શ્રીમતી એચ.ડી.ડી. કન્યા વિદ્યાલય, વાંઢીયા સરકારી પ્રાથમિક શાળા અને કાનમેર સરકારી માધ્યમિક શાળામાં પણ સાયબર ક્રાઈમ તથા નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધી સેમિનાર યોજાયા હતા.
કાર્યક્રમોમાં સાયબર ગુનાઓ અંગેની ફરિયાદ માટે 1930 હેલ્પલાઈન તેમજ નશીલા પદાર્થોના દુષણ અંગે માનસ હેલ્પલાઈન 1933 અને નાર્કોટિક્સ વિભાગના 1908 નંબર અંગે માહિતી આપવામાં આવી હતી. માર્ગ સલામતી સહિતના મુદ્દાઓ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર અભિયાન દરમિયાન 5,800થી વધુ લોકો સુધી સુરક્ષા અને જાગૃતિનો સંદેશ પહોંચ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar