હાજીપીર યાત્રાળુઓ માટે મોટી રાહત: નવી એસ.ટી. બસથી સફર બની સુવિધાજનક
કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના પવિત્ર હાજીપીર દરગાહ સુધીની મુસાફરી કરતા યાત્રાળુઓ માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશલપર–હાજીપીર માર્ગ પર નવી એસ.ટી. બસ દોડતી થતાં મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભુજ ડેપો દ્વારા ફાળવવામાં
હાજીપીર ખાતે નવી બસનું સ્વાગત કરવામાં આવ્યું


કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના પવિત્ર હાજીપીર દરગાહ સુધીની મુસાફરી કરતા યાત્રાળુઓ માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશલપર–હાજીપીર માર્ગ પર નવી એસ.ટી. બસ દોડતી થતાં મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભુજ ડેપો દ્વારા ફાળવવામાં આવેલી નવી બસનું હાજીપીર ખાતે મુજાવર પરિવાર દ્વારા ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાજીપીર કચ્છમાં કોમી એકતા અને શ્રદ્ધાના પ્રતીક તરીકે આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે પહોંચે છે. જોકે, અગાઉ આ રૂટ પર જૂની બસો દોડતી હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વારંવાર બસમાં ટેકનિકલ ખામી સર્જાવાની સાથે બ્રેકડાઉનની સ્થિતિ પણ ઊભી થતી હતી. બીજી તરફ દેશલપરથી હાજીપીર વચ્ચેનો આશરે 32 કિલોમીટરનો રસ્તો પણ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી મુસાફરીમાં વધુ સમય લાગતો હતો.

હવે માર્ગનું કામ પૂર્ણતાના તબક્કામાં પહોંચ્યું છે અને તેની સાથે નવી એસ.ટી. બસ મળતા મુસાફરોની મુસાફરી અગાઉની સરખામણીએ વધુ સરળ બની છે. મુસાફરોના જણાવ્યા મુજબ, અગાઉ સાડા ત્રણ કલાક જેટલો સમય લાગતો હતો, જ્યારે હવે આશરે અઢી કલાકમાં હાજીપીર પહોંચી શકાય છે. પરિણામે બહારગામથી આવતા યાત્રાળુઓને દર્શન તથા પરત ફરવા માટે પણ વધુ સમય મળી રહે છે.

નવી બસ હાજીપીર ખાતે પહોંચતા હાજી ઈસ્માઈલ, દાઉદ જાફર, એસ.ટી. સલાહકાર સમિતિના સભ્ય ઉમેશ આચાર્ય, આદમ મુજાવર, જુસબ મુજાવર, કાલુ મુજાવર સહિતના આગેવાનો અને મુજાવર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફૂલોથી બસનું સ્વાગત કરી નવી સુવિધા બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મુસાફરોએ નવી બસ ફાળવવા બદલ એસ.ટી. તંત્રનો આભાર માન્યો હતો અને આ બસને કાયમી ધોરણે હાજીપીર રૂટ પર ચાલુ રાખવાની માંગ વ્યક્ત કરી હતી. કચ્છને નવી એસ.ટી. બસોની ફાળવણી અંતર્ગત આ રૂટને મળેલી સુવિધાથી સ્થાનિકો તેમજ યાત્રાળુઓને આગામી સમયમાં વધુ સગવડ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande