ગાંધી જયંતિએ નીરોણામાં વિકાસનો સંકલ્પ, દીકરીઓની સ્વચ્છતા પહેલ બની આકર્ષણનું કેન્દ્ર
કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધી જયંતિના પાવન અવસરે કચ્છના નીરોણા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના વિકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, જનજાગૃતિ અને વિવિધ લોકકલ્યાણકારી મુદ્દાઓને પ્રાધાન્ય આપવામા
નીરોણા ખાતે ગ્રામસભાનું આયોજન


નીરોણા ખાતે ગ્રામસભાનું આયોજન


નીરોણા ખાતે ગ્રામસભાનું આયોજન


નીરોણા ખાતે ગ્રામસભાનું આયોજન


કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધી જયંતિના પાવન અવસરે કચ્છના નીરોણા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના વિકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, જનજાગૃતિ અને વિવિધ લોકકલ્યાણકારી મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ગ્રામજનોની ભાગીદારી સાથે યોજાયેલી આ ગ્રામસભામાં ગામને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકાયો હતો.

ગ્રામસભા દરમિયાન નીરોણા ગામની દીકરીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્લાસ્ટિક મુક્તિ પહેલ ખાસ ચર્ચાનું કેન્દ્ર બની હતી. દીકરીઓએ ગામમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી ગ્રામ પંચાયતને સોંપ્યો હતો. સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી તરફ દીકરીઓએ આપેલા આ યોગદાનને બિરદાવવા માટે તેમને સ્ટીલના વાસણો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલે ગ્રામજનોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપ્યો હતો.

ગામની સ્વચ્છતા વ્યવસ્થાને સતત જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સફાઈ કામદારોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. તેમના કાર્યને બિરદાવતાં સ્વચ્છ ગામના નિર્માણમાં સફાઈ કર્મચારીઓના યોગદાનને મહત્વ આપવામાં આવ્યું હતું. સાથે જ આવાસ યોજનાના પ્લોટ માટેની સનદો 17 લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી, જેના કારણે લાભાર્થી પરિવારોમાં ખુશી જોવા મળી હતી.

ગ્રામસભામાં પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ અંગે ગ્રામજનોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે અજાણ્યા વ્યક્તિને OTP, બેંકિંગ વિગતો કે અન્ય સંવેદનશીલ માહિતી ન આપવા તેમજ શંકાસ્પદ લિંકથી સાવચેત રહેવા અંગે સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે તલાટી દિપેશ પોકર, રેવન્યુ તલાટી ધ્રુવીબેન પોકર તથા તાલુકા પંચાયત સદસ્ય જેસંગભાઈ આહીર સહિત ગ્રામજનો, વેપારીઓ, ખેડૂતો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો પાસેથી સ્થાનિક પ્રશ્નો અને વિકાસલક્ષી સૂચનો મેળવવામાં આવ્યા હતા.

સરપંચ નરોત્તમ આહીરે જણાવ્યું હતું કે ગ્રામજનોના સૂચનોને આવકારવાની સાથે પ્રશ્નોના નિરાકરણ માટે પંચાયત અને ગ્રામજનો વચ્ચે સંકલન તથા સહકાર જરૂરી છે. સૌના સહયોગથી નીરોણાને વધુ સ્વચ્છ, વિકસિત અને સુવિધાસભર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande