
ઇસ્ત્રા સિટી, (મોસ્કો), નવી દિલ્હી, 2 ઓક્ટોબર (હિ.સ.). રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા કરી છે. પુતિને કહ્યું કે, મોદી સતત સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે અને બંને પક્ષોને સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે ખૂબ જ સારા વિચારો ધરાવે છે.
પુતિને વલ્દાઈ ચર્ચા ક્લબની 23મી વાર્ષિક બેઠકના પૂર્ણ સત્રને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, રશિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોવા છતાં, ભારતીય વડા પ્રધાને યુક્રેન સંઘર્ષનો અંત લાવવાનો મુદ્દો સતત ઉઠાવ્યો છે. પુતિને શાંતિપૂર્ણ ઉકેલ માટે મોદીની ઇચ્છા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.
પુતિનના મતે, મોદી સંઘર્ષને ઝડપથી સમાપ્ત કરવામાં અને તમામ પક્ષોને સ્વીકાર્ય ઉકેલ શોધવામાં રસ ધરાવે છે. તેમણે ભારતની સ્થિતિને તટસ્થ ગણાવતા કહ્યું કે નવી દિલ્હી સંઘર્ષનો અંત લાવવામાં ખરા અર્થમાં રસ ધરાવે છે.
પુતિને પોતાના સંબોધનમાં વર્તમાન વૈશ્વિક વ્યવસ્થામાં થઈ રહેલા ગહન ફેરફારોની પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ રાજકારણ, અર્થતંત્ર, ટેકનોલોજી, ઉર્જા, આબોહવા, દવા અને કૃત્રિમ બુદ્ધિ સહિત ઘણા ક્ષેત્રોમાં મોટા પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. તેમના મતે, આ ફેરફારો પોતાની સાથે નવી તકો તેમજ ગંભીર જોખમો પણ લાવી રહ્યા છે.
રશિયન રાષ્ટ્રપતિએ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને હાલની વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ વિશ્વની વર્તમાન વાસ્તવિકતાઓ અને વિવિધ પ્રદેશોના વધતા પ્રભાવને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવો જોઈએ.
પુતિને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના ઉદભવનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું હતું કે આ પરિવર્તન પ્રક્રિયા લાંબી અને જટિલ રહેશે, અને ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલી રહેશે.
કૃત્રિમ બુદ્ધિના વધતા પ્રભાવ અંગે તેમણે કહ્યું હતું કે, વિશ્વએ તેના તકનીકી અને આર્થિક લાભો તેમજ તેના સામાજિક અને માનવતાવાદી પ્રભાવોને ગંભીરતાથી ધ્યાનમાં લેવું જોઈએ. તેમણે ડિજિટલ સાર્વભૌમત્વ અને નવી તકનીકોના જવાબદાર ઉપયોગને મહત્વપૂર્ણ મુદ્દાઓ તરીકે વર્ણવ્યા હતા.
યુક્રેન સંઘર્ષ પર બોલતા, પુતિને રશિયાના વલણને પુનરાવર્તિત કર્યું અને સંઘર્ષ માટે પશ્ચિમી અને નાટો નીતિઓને દોષી ઠેરવી. આ દાવાઓ રશિયાના સત્તાવાર વલણનો ભાગ છે, અને યુક્રેન અને પશ્ચિમી દેશો સંઘર્ષના કારણો અંગે અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે.
પુતિને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લાંબા ગાળાની સ્થિરતા માટે, દેશોએ એકબીજાના હિતો અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને સમાધાન તરફ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે, બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં, ભવિષ્યની સ્થિરતા માટે સંવાદ અને પરસ્પર સમજણ મહત્વપૂર્ણ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ