રાજકોટમાં તબીબી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આર.ટી.ઓ. કચેરી પાછળ આવેલ વીર હનુમાન ચોક ખાતે દરોડો પાડી કોઈપણ જાત
બોગસ ડોકટર


રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આર.ટી.ઓ. કચેરી પાછળ આવેલ વીર હનુમાન ચોક ખાતે દરોડો પાડી કોઈપણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા એક શખ્સને એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એન.બી. ચૌધરી અને પીએસઆઇ એમ.વી. જાડેજાની રાહબરીમાં ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે નાના મૌવા 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં ભાડેથી રહેતો 36 વર્ષીય અંકુર શરદકુમાર મહેતા, આર.ટી.ઓ. કચેરી પાછળ ઊંચી પાણીની ટાંકી પાસે વીર હનુમાન ચોકમાં ‘ડૉ. ઇમરજન્સી ડૉ. અંકુર મહેતા સર્જીકલ એન્ડ મેડીકલ’ નામનું ક્લિનિક ખોલીને તબીબ તરીકે પ્રેક્ટિસ કરે છે.

એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા અને એએસઆઈ અરૂણભાઇ બાંભણીયા સહિતના સ્ટાફે સ્થળ પર દરોડો પાડતાં આરોપી પાસે કોઈ જ માન્ય તબીબી ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ તેમજ વિવિધ મેડિકલ સાધનો મળી કુલ રૂ. 28401.1 /- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમનાર આ બોગસ ડોક્ટર સામે રાજકોટ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963, ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1967 તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ધોરણસરની અટકાયત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande