
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલી શક્તિનગર સોસાયટી શેરી નં. 5માં રહેતા 22 વર્ષીય યુવાન યોગેશ વિજયભાઈ નાનાણીએ ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિવારજનો પોતાની પુત્રીના ઘરે પિતૃકાર્ય માટે ગયા હતા ત્યારે ઘરમાં એકલા રહેલા યુવકે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. એકના એક પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં અરેરાટી સાથે ભારે કલ્પાંત છવાઈ ગયો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે જરૂરી કાગળો કરીને આપઘાતનું સાચું કારણ જાણવા માટે આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
યોગેશ પોતાની એક બહેનમાં મોટો અને પરિવારનો એકમાત્ર પુત્ર હતો, જ્યારે તેની માતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. તેના પિતા મંજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે યોગેશના પિતા અને દાદી સહિતના સભ્યોએ તેને પિતૃકાર્યના પ્રસંગમાં સાથે આવવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડીને ઘરે જ રોકાવાનું પસંદ કર્યું હતું. પરિવારજનો પ્રસંગ પતાવીને પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજો બંધ હોવાથી પાડોશીની અગાસી મારફતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં યોગેશ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt