
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય વસ્ત્ર મંત્રી શ્રી ગિરિરાજ સિંહે જણાવ્યું છે કે, કાપડ ક્ષેત્રના કારોબારને વર્ષ 2030 સુધીમાં 35 કરોડ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં 25 કરોડ ડોલરનું સ્થાનિક બજાર અને 10 કરોડ ડોલરની નિકાસનો સમાવેશ થાય છે.
ગિરિરાજ સિંહે આ વાત દિલ્હી સ્થિત ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં આયોજિત 'ટેક્સટાઇલ કોન્ક્લેવ'ના ઉદ્ઘાટન પ્રસંગે કહી હતી. આ કાર્યક્રમ એમએસએમઈ ક્ષેત્રના સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત અખિલ ભારતીય સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવ્યો હતો.
ગિરિરાજે કહ્યું, ટેક્સટાઇલ દેશમાં સૌથી વધુ રોજગારનું સર્જન કરતો ઉદ્યોગ છે. વર્ષ 2014માં આ ક્ષેત્રનું કદ 138 મિલિયન ડોલરનું હતું, જે મોદી સરકાર આવ્યા પછી 19 કરોડ ડોલર સુધી પહોંચી ગયું. હવે સરકારનું વિઝન તેને 2030 સુધીમાં 35 કરોડ ડોલરના સ્તર સુધી લઈ જવાનું છે, જેમાં 25 કરોડ ડોલરનું યોગદાન સ્થાનિક બજારમાંથી અને 10 કરોડ ડોલરનું યોગદાન નિકાસમાંથી મેળવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
વૈશ્વિક વ્યાપારિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે, દુનિયાભરમાં ચાલી રહેલા 'ટેરિફ વોર' અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત સરકાર સક્રિયતાથી કામ કરી રહી છે. ભારતીય વસ્ત્ર ઉત્પાદનો માટે નવી તકો શોધતા સરકારે 40 નવા દેશોને ચિહ્નિત કર્યા છે, જ્યાં વ્યાપાર અને નિકાસને ઝડપથી વધારવામાં આવશે.
હથકરઘા અને હસ્તશિલ્પની પહોંચ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્તરે બનેલા ઉત્પાદનોની માંગ દુનિયાભરમાં વધી રહી છે. વર્તમાનમાં દેશના 548 જિલ્લાઓમાંથી હથકરઘા અને હસ્તશિલ્પ ઉત્પાદનો સીધા 132 દેશોને નિકાસ કરવામાં આવી રહ્યા છે, જેનાથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના કારીગરોને સીધા વૈશ્વિક બજાર સાથે જોડાવાનો લાભ મળી રહ્યો છે.
મંત્રીએ કહ્યું કે, દેશમાં લગભગ 7-8 'ન્યૂ એજ ફાઇબર'ના ઉત્પાદન પર ઝડપથી કામ શરૂ થશે, જેનાથી વિદેશો પરની આપણી નિર્ભરતા સમાપ્ત કરી શકાશે. તેમણે 'બેમ્બૂ', 'પાઇનેપલ' અને કેળાના ફાઇબર જેવા અન્ય વૈકલ્પિક ઉદ્યોગો સાથે સ્વયં સહાયતા જૂથોને જોડવા પર ભાર મૂક્યો.
માનવ નિર્મિત વસ્ત્ર અનુસંધાન સંઘ (મંત્રા)ના નિર્દેશક ડો. પંકજ ગાંધીએ જણાવ્યું કે, તકનીકી વસ્ત્રોનો ઉપયોગ હવે પરંપરાગત પરિધાનો સુધી સીમિત ન રહેતા કૃષિ, સ્વાસ્થ્ય, રક્ષા, ઓટોમોબાઇલ, નિર્માણ, પરિવહન અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઝડપથી વધી રહ્યો છે. ભારત વિશ્વના મુખ્ય તકનીકી વસ્ત્ર બજારોમાં સામેલ છે અને આ ક્ષેત્રમાં નવીનતા, અનુસંધાન, સ્વદેશી ઉત્પાદન તથા નિકાસ વિસ્તરણની વ્યાપક સંભાવનાઓ છે.
ડો. ગાંધીએ તકનીકી વસ્ત્રોમાં એમએસએમઈની ભાગીદારી વધારવા માટે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને અનુસંધાન સંગઠનો વચ્ચેના સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો. પ્રસ્તુતિમાં અત્યાધુનિક તકનીક, નવા ઉત્પાદનોના વિકાસ, આયાત પ્રતિસ્થાપન અને વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધારવાની સંભાવનાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. આ ઉપરાંત, તેમણે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ અને 'સીઓઈ-ટીઆરએ મોડેલ'ના માધ્યમથી એમએસએમઈને તકનીકી સહાયતા, પરીક્ષણ સુવિધા, ઉત્પાદન વિકાસ તથા વ્યવસાયીકરણની તકો ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા રજૂ કરી.
આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રકાશચંદ્ર, રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ નરેશ પારીક, કો-કન્વીનર કપિલ ગુપ્તા, કો-કન્વીનર પલ્લવી લઢા અને આઉટરીચ પ્રભારી સીમા મિશ્રા, 'એફટીએ' પર ડો. વિશ્વજીત નાગ અને 'એક્સપોર્ટ પ્રમોશન મિશન' પર 'ડીજીએફટી'ના અધિકારી આશિમા, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી ઓમપ્રકાશ ગુપ્તા, પૂર્વ લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ મધુસૂદન દાદુ, 'એસજીસીસીઆઈ', સુરતના અધ્યક્ષ અશોક જીરાવાલા, ઇચલકરંજીના ધારાસભ્ય રાહુલ પ્રકાશ અવાડે, રાજસ્થાન 'પોલ્યુશન કંટ્રોલ બોર્ડ'ના પૂર્વ 'ચીફ એન્વાયરમેન્ટ એન્જિનિયર' ડો. વિજય સિંઘલ, 'સ્પ્રે એન્જિનિયરિંગ ડિવાઇસીસ લિમિટેડ'ના વિવેક વર્મા, અગ્રણી વસ્ત્ર ઉદ્યમી રવિ પોદાર અને અતુલ મિત્તલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યમીઓ ઉપસ્થિત હતા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ