


પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરમાં ગાંધી જયંતી નિમિત્તે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા પરિસરમાં આવેલા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો, હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓએ બાપુની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને યાદ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે શહેરમાં વધતા ડ્રગ્સ અને ગેરકાયદે દારૂના દૂષણ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પવિત્ર માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં નશાનો કારોબાર ચિંતાજનક બાબત છે. ગાંધી જયંતીના દિવસે તેમણે સિદ્ધપુરને તાત્કાલિક નશામુક્ત બનાવવાની માંગ સાથે વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
ચંદનજી ઠાકોરે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો નશાના કારોબાર સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ સહિત ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ ગાંધીનગરથી દિલ્હી સુધી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની વાત પણ તેમણે કરી હતી. નશાના દૂષણને દૂર કરવા આગામી દિવસોમાં લડત વધુ તેજ બનાવવાની તૈયારી કોંગ્રેસે દર્શાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ