


પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) વડનગરની શ્રી વિવેકાનંદ વિદ્યાલયે ગુણવત્તા વિકાસ વર્તુળ કક્ષાના બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સતત ચોથા વર્ષે ચેમ્પિયનશિપ મેળવી ગૌરવ વધાર્યું છે. 1 ઓક્ટોબર, 2026ના રોજ રાધનપુરની શ્રી શેઠ કે.બી. વકીલ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પાંચેય વિભાગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બે વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી શાળાએ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.
વિભાગ-2માં વૈભવી ડી. પ્રજાપતિ અને જાનકી જે. રબારીએ ‘પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડી તેનો ઉપયોગ અને સોલર છત’ પ્રોજેક્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે વિભાગ-3માં મિતવા જી. ચૌધરી અને મમતા ટી. ચાંગેચાએ ‘ધબકારાથી જીવન યાત્રા’ પ્રોજેક્ટ રજૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
અન્ય વિભાગોમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. વિભાગ-1માં ચિરાગ એસ. ચૌધરીએ ‘ત્રિકોણમિતિની રમતો’માં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. વિભાગ-4માં ભારતી એ. ઠાકોર અને જયશ્રી વી. ઠાકોરે ‘ડિજિટલ ગ્રામ વિકાસ તરફનું એક પગલું’ પ્રોજેક્ટમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. વિભાગ-5માં દિવ્યા કે. ઠાકોર અને કિરણ બી. ઠાકોરે ‘ઓટોમેટિક ફાયર ડીટેકશન એન્ડ ફાયર બોલ’ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
આ સમગ્ર સફળતા આચાર્ય કલ્પેશ અખાણીના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થઈ હતી. પ્રોજેક્ટ તૈયાર કરવામાં પુરીબેન ચૌધરી, બાબુ સોલંકી, રાજેશ રાજદેવ, કિરીટ પ્રજાપતિ અને સેવક દિનેશ ચૌધરીએ સહયોગ આપ્યો હતો. શ્રી વિવેકાનંદ વિકાસ મંડળના પ્રમુખ પરબત ચૌધરી અને મંત્રી દઝા ચૌધરીએ વિજેતા વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શકોને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ