બંગાળ: હાવડા સ્ટેશન પર મધ્યપ્રદેશના મુસાફરની બેગમાંથી 44 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા
કોલકતા, નવી દિલ્હી, ૨ ઓક્ટોબર (હિ.સ): રેલવે સુરક્ષા દળ (આરપીએફ) એ, ફરી એકવાર હાવડા સ્ટેશન પર મોટી રકમની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે. મધ્યપ્રદેશથી આવતી શિપ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરની બેગની તપાસમાં 44 લાખ રૂપિયા રોકડા મળ્યા. આટલી મોટી ર
મળી આવેલી રકમ


કોલકતા, નવી દિલ્હી, ૨ ઓક્ટોબર (હિ.સ): રેલવે સુરક્ષા દળ (આરપીએફ) એ, ફરી એકવાર હાવડા સ્ટેશન પર મોટી રકમની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે. મધ્યપ્રદેશથી આવતી શિપ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરની બેગની તપાસમાં 44 લાખ રૂપિયા રોકડા મળ્યા. આટલી મોટી રકમ સાથે મુસાફરી કરવાના કોઈ માન્ય દસ્તાવેજો કે પુરાવા રજૂ કરવામાં અસમર્થ હોવાથી, મુસાફરની અટકાયત કરવામાં આવી હતી અને તેને આવકવેરા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. હાવડા સ્ટેશન પર રોકડ રકમ જપ્તીના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને, રેલવે પોલીસે સુરક્ષા અને દેખરેખમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

આરપીએફ એ શુક્રવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, આ તાજેતરની ઘટના ગુરુવારે બની હતી, જ્યારે ડાઉન શિપ્રા એક્સપ્રેસ હાવડા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 17 પર રોકાઈ હતી. મધ્યપ્રદેશના વિદિશાના મુસાફર રોહિત સિંહની શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ત્યાં તૈનાત આરપીએફ ગુપ્તચર ટીમને શંકા ગઈ. અધિકારીઓએ તેને રોક્યો, તેની પૂછપરછ કરી અને તેની બેગની તપાસ કરી, જેમાં ચલણી નોટોના બંડલ મળી આવ્યા. ગણતરી કરતાં કુલ રકમ 44 લાખ રૂપિયા મળી આવી.

આરપીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતની પૂછપરછ દરમિયાન, રોહિત સિંહે દાવો કર્યો હતો કે, તે કોલકતાથી સોનું ખરીદવા માટે પૈસા લાવ્યો હતો. જોકે, તે પોતાના દાવાને સમર્થન આપવા અથવા પૈસાના સ્ત્રોતની કાયદેસરતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યો નહીં. ત્યારબાદ, આરપીએફે આખી રકમ જપ્ત કરી અને આવકવેરા વિભાગને જાણ કરી.

માહિતી મળતાં, આવકવેરા અધિકારીઓ હાવડા સ્ટેશન પર પહોંચ્યા અને જપ્ત કરેલી રોકડ અને મુસાફરને કસ્ટડીમાં લીધા. આવકવેરા વિભાગ હવે પૈસાના સાચા સ્ત્રોત અને તે હવાલા કે આંતરરાજ્ય ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલ છે કે કેમ તેની તપાસ કરી રહ્યું છે.

નોંધનીય છે કે, હાવડા સ્ટેશન પર રોકડ જપ્તીની આ ત્રીજી મોટી ઘટના છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, આરપીએફે મહારાષ્ટ્રના રહેવાસી સુજીત કાલે નામના વ્યક્તિની અટકાયત કરી હતી, જેની પાસેથી આશરે 67 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. થોડા દિવસો પછી, વંદે ભારત એક્સપ્રેસના અન્ય એક મુસાફરને જૂના હાવડા સ્ટેશન સંકુલમાં પકડવામાં આવ્યો હતો અને તેની પાસેથી 21 લાખ રૂપિયા રોકડ અને સોનું મળી આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande