

- પોશડોડા લઈને જતી સ્કોર્પિયોને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસે પગમાં ગોળી મારી
મોડાસા/અમદાવાદ,02 ઓકટોબર (હિ.સ.) આજે 2 ઓક્ટોમ્બરની ગાંધી જયંતીની વહેલી પરોઢે અરવલ્લી જિલ્લામાં નશાના કારોબારીઓ સામે પોલીસની આક્રમક ઝુંબેશ વચ્ચે માલપુરના મોરડુંગરી નજીક એલસીબી પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા બિશ્નોઈ ગેંગના બે આરોપી વચ્ચે સામસામે ગોળીબારની ઘટના સામે આવી છે.
અરવલ્લી જિલ્લામાં 10 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે. માલપુરના મોરડુંગરી પાસે પોશડોડાની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન આરોપીઓ અને એલસીબી પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. પોશડોડા ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેના જવાબમાં એલસીબી પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જવાબી ફાયરિંગમાં એક આરોપીને પગના ભાગે ઈજા થતાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ અને કારમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવતા કુલ બે પિસ્તોલ કબજે કરવામાં આવી. ફાયરિંગ દરમિયાન એલસીબી પીઆઇ,પીએસઆઈ અને એએસઆઈ ને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સમગ્ર મામલે ફરી બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ, અરવલ્લી એલસીબીની ટીમને પોશડોડા ભરેલી એક સ્કોર્પિયો કાર પસાર થવાની માહિતી મળતાં માલપુર નજીક મોરડુંગરી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરતા જ કારમાં સવાર બે આરોપીએ પોલીસ ટીમ પર 2 રાઉન્ડ પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ કરી દીધું હતું.
આરોપીઓના અચાનક આક્રમક વલણ બાદ એલસીબી ટીમે પણ સાહસિક જવાબી કાર્યવાહી કરતા 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં એક આરોપીના પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસે તુરંત ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો આરોપી ફરાર છે.
ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. ત્યાર બાદ સ્કોર્પિયો કારની તલાશી લેતાં તેમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવતાં પોલીસે કુલ બે પિસ્તોલ કબજે કરી છે.
એસપી અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે એલસીબી પીઆઇ ઝાલા અને એમની ટીમને બાતમી હતી કે, મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ એક ગાડી નીકળવાની છે, જેમાં નાર્કોટિક્સ ભરેલું છે. એ બાતમીના આધારે અમે વોચ રાખેલી અને એ અનુસંધાને રાત્રે 3 વાગ્યે એક શંકાસ્પદ ગાડી નીકળી. જેને રોકવાનો પ્રયત્ન કરતાં તેણે યુ-ટર્ન મારી અને રોંગ સાઇડ પર પરત આવી.
એ જ સમયે પોલીસની ગાડી સામે મળતાં તેની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એટલે બંન્ને ગાડી સામસામે અથડાઈ. જે બાદ આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એટલે અમે આરોપી ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે.આ ગાડીમાંથી અમને 500 કિલોથી વધારે પોશડોડા મળ્યા છે અને અંદરથી બે હથિયાર, એક મોબાઇલ પણ મળ્યા છે. અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.10 દિવસ પહેલાં ધનસુરાના શિનોલ ગામ પાસે SOG પોલીસે પોશડોડા ભરેલી એક સ્કોર્પિયો કારને ઝડપી હતી
માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરીના આ સમગ્ર મામલામાં ફરી એકવાર બિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. બિશ્નોઈ ગેંગ દ્વારા પોશડોડાની હેરાફેરી વધુ ઘાતક બની રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે, અરવલ્લીમાં ગત 22 સપ્ટેમ્બરે પણ સ્કોર્પિયો કાર પર ફાયરિંગની ઘટના બની હતી. 10 દિવસમાં સતત બીજીવાર બનેલી આ ઘટનાથી એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરતી અરવલ્લી પોલીસ વધુ આક્રમક બની છે. હાલ પોલીસે આરોપીઓ, પોશડોડાનો જથ્થો અને હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે દિશામાં ઘનન તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ