


- લોકો વાસણમાં ઘી ભરતા નજરે પડ્યાં
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપાલના વરદાયિની માતાના કર્યા દર્શન
ગાંધીનગર,20 ઓકટોબર (હિ.સ.) ગાંધીનગરના રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષની જેમ આજે પલ્લી નીકળી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે યોજાતી પલ્લીયાત્રામાં મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતાં. આ પાવન પલ્લી નીકળે તે પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા વરદાયિનીના દર્શન કર્યા છે.
મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથ ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણે નીકળ્યો હતો. આ ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તો પલ્લી પર કરોડોના શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો, જેનાથી રૂપાલ ગામની ગલીઓ અને માર્ગો પર રીતસર ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. સવારે પલ્લી રથ નીજ મંદિરે પરત ફરતા માતાજીના દર્શન માટે ભીડ ઉમટી પડી હતી.
ગાંધીનગર નજીકના રૂપાલ ગામમાં આસો નોમના પવિત્ર દિવસે વરદાયિની માતાજીના પરંપરાગત પલ્લી મહોત્સવનું આયોજન કરાયું હતું. ભક્તોએ મનોકામના પૂર્ણ કરવા અને મા વરદાયિનીના દર્શન માટે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યોજાયેલી આ શોભાયાત્રામાં પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. ભક્તોના ભારે ઘોડાપૂર અને ઘીના ચઢાવાને લીધે ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી.
પલ્લીના પ્રસ્થાન પૂર્વે ચાવડા (ક્ષત્રિય) પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. ત્યારબાદ પલ્લી ગામના 27 ચોકમાં ભ્રમણ કરવા માટે નીકળી હતી. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા કરી હતી, તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે પણ પરિવાર સાથે પહોંચીને માતાજીના દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું. દર્શન માટે આવેલી મહિલાઓ માથા પર માટલી અને દીવા સાથે જોવા મળી હતી, જ્યારે અસંખ્ય લોકો મકાનોના ધાબા અને ઝાડ પર ચડીને પલ્લીના દર્શન કરતા નજરે પડ્યા હતા.
યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલું ઘી કેરબાઓ, ડબ્બાઓ અને ટ્રેક્ટરોની ટ્રોલીઓમાં એકત્ર કરાયું હતું, જેને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. રસ્તાઓ પર ઘીની નદી વહી હતી, રસ્તા પરથી ઘીને ટ્રેક્ટરોમાં લોકોએ એકઠું કર્યું હતું. આખું રૂપાલ ગામ રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. ભક્તોની અભૂતપૂર્વ ભીડ અને શ્રદ્ધા સાથે વરદાયિની માતાજીની આ વર્ષની પલ્લી યાત્રા સુરક્ષા અને શ્રદ્ધાના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી.
હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.
પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. એમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે.
બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી, રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે.
પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે.
માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ, ગામમાં વસતા અઢારે આલમના લોકો, માની શકિત મુજબ સેવા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ