
વારાણસી, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ. સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 25 ઓક્ટોબરના રોજ વારાણસીના નમો ઘાટ પર આયોજિત થનારા ભારતીય વાયુસેનાના ભવ્ય એર શોમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મંગળવારે વારાણસીમાં વાયુસેનાની ઓફિસમાં આયોજિત પત્રકાર પરિષદમાં વાયુસેનાના એર વાઇસ માર્શલ પીવીએસ નારાયણ, પોલીસ કમિશનર મોહિત અગ્રવાલ અને કમિશનર એસ. રાજલિંગમે મંગળવારે સંયુક્ત રીતે આ માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, વારાણસીમાં 22, 24 અને 25 ઓક્ટોબરના રોજ ગંગા નદી ઉપર યોજાનારો આ એરિયલ ડિસ્પ્લે એર શો અહીંના લાખો લોકોને દુર્લભ નજારા તરીકે જોવા મળશે. આ એર શોને વિંગ્સ ઓવર ગેંજેસ નામ આપવામાં આવ્યું છે. આ એરિયલ ડિસ્પ્લેમાં કુલ 100 વિમાન ભાગ લેશે, જેમાં 52 લડાકુ વિમાન, 15 ટ્રાન્સપોર્ટ વિમાન, 32 હેલિકોપ્ટર અને એક હેરિટેજ (વિરાસત) વિમાનનો સમાવેશ થાય છે. આની સાથે ભારતીય વાયુસેનાની 'ગરુડ' સ્પેશિયલ ફોર્સ પણ તેમાં ભાગ લેશે. આ વિમાનો દેશભરના 12 એર બેઝ પરથી ઉડાન ભરશે, જેમાં ચેન્નઈ નજીક આવેલો નૌસૈનિક અડ્ડો 'અરક્કોણમ' પણ સામેલ છે. આ એરોસ્પેસ શક્તિની વ્યાપકતા અને વ્યૂહાત્મક પહોંચ દર્શાવે છે.
તેમણે કહ્યું કે, વારાણસીના નમો ઘાટ પર આયોજિત થનારો 'ભારતીય વાયુસેના એરિયલ ડિસ્પ્લે 2026', રાષ્ટ્ર પ્રત્યે ભારતીય વાયુસેનાની 94 વર્ષની સમર્પિત સેવાના ઉપલક્ષ્યમાં કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ ગંગા નદી ઉપર ભારતીય વાયુસેનાની એરોસ્પેસ શક્તિનું પ્રદર્શન કરશે, જે યુવાનોને પ્રેરિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ભારતીય વાયુસેનાની અટूट પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરશે. આ માટે વારાણસીમાં ઘાટોના કિનારે 11 સેક્ટર બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, એર શોમાં 25 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હશે. દેશના અન્ય અગ્રણી લોકો પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આ એરિયલ ડિસ્પ્લેમાં કુલ 25 એરક્રાફ્ટ ફોર્મેશન (વિમાનોના સમૂહ) સામેલ હશે. આ ફોર્મેશનની યોજના ખૂબ કાળજીપૂર્વક બનાવવામાં આવી છે, જેથી ભારતીય વાયુસેનામાં સામેલ વિવિધ પ્રકારના વિમાનોને પ્રદર્શિત કરી શકાય. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય ઉત્તમ તાલમેલ અને સંકલન સાથે કરવામાં આવતા હવાઈ કરતબો દ્વારા, આ વિમાનોની સંચાલન ક્ષમતાઓ અને વાયુસેનાના વ્યાવસાયિક કૌશલ્યને ઉજાગર કરવાનો છે.
આ વર્ષના ફ્લાયપાસ્ટમાં ભાગ લેનારા વિમાનોમાં હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ વિમાન અને લડાકુ વિમાનનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના કાફલામાં એલસીએચ, ચિનૂક, એલસીએચ એમકે થર્ડ, એલસીએચ એમકે ફોર, અપાચે, ચેતક, કામોવ-31 અને એમઆઈ-17 વી 5 સામેલ હશે. ટ્રાન્સપોર્ટ કાફલામાં સી-295, સી-17, સી 130, એઈડબ્લ્યુસી, આઈએલ-78, એએન-32 અને પી-8I સામેલ હશે. લડાકુ વિમાનોના કાફલામાં એસયુ-30 એમકે એલ, મિરાજ-2000, રાફેલ, એલસીએ, મિગ-29 અને જગુઆર વિમાન સામેલ હશે. આ ઉપરાંત, હાર્વર્ડ વિમાનની સાથે-સાથે 'સૂર્યકિરણ' અને 'સારંગ' ડિસ્પ્લે ટીમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આમાં ભાગ લેનારાઓમાં ભારતીય સેનાના બે એલસીએચ હેલિકોપ્ટર, તથા ભારતીય નૌસેનાનું એક પી-8I અને એક કામોવ-31 વિમાન પણ સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / શરદ / શિવ સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ