
-12 નવેમ્બરથી પંચ પૂજા શરૂ થશે, 17 નવેમ્બરના રોજ ઉત્સવની ડોળીઓ શિયાળાના નિવાસસ્થાન માટે રવાના થશે.
ગોપેશ્વર, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). વિશ્વ પ્રસિદ્ધ બદરીનાથ ધામના કપાટ 16 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે ને 37 મિનિટે શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે. વિજયાદશમીના અવસરે મંગળવારે મંદિર પરિસરમાં પૂજા-અર્ચના અને પંચાંગ ગણતરી પછી કપાટ બંધ થવાની તારીખ જાહેર કરવામાં આવી. આ સાથે જ 12 નવેમ્બરથી કપાટ બંધ કરવાની ધાર્મિક પ્રક્રિયા, પંચ પૂજાઓ શરૂ થઈ જશે.
બદરીનાથ ધામના રાવલ અમરનાથ નમ્બૂદરીએ, વિધિ-વિધાનપૂર્વક કપાટ બંધ થવાની તારીખની ઘોષણા કરી. આ પહેલાં ધર્માધિકારી આચાર્ય સ્વયંવર સેમવાલ અને વેદપાઠીઓએ પૂજા-અર્ચના સાથે પંચાંગ ગણતરી કરી. આ અવસરે વર્ષ 2027ની યાત્રા માટે ભંડાર વ્યવસ્થાની જવાબદારી સંભાળનારા ઉમેશ ભટ્ટ, શિવમ મહેતા, મહેન્દ્ર ભંડારી અને જગદીશ પંવારને પાઘડી ભેટ કરવામાં આવી. મંદિર પરિસરમાં નવરાત્રિ અને ઉર્વશી માતાની પૂજાનું સમાપન પણ હવન-યજ્ઞ સાથે થયું.
બદરી-કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ શ્રદ્ધાળુઓને કપાટ બંધ થાય તે પહેલાં બદરીનાથ, કેદારનાથ અને અન્ય મંદિરોના દર્શન કરવાની અપીલ કરી.
બદરીનાથ ધામમાં 12 નવેમ્બરના રોજ ગણેશ પૂજન સાથે પંચ પૂજાઓ શરૂ થશે. 13 નવેમ્બરના રોજ આદિ કેદારેશ્વર અને આદિ ગુરુ શંકરાચાર્ય મંદિરના કપાટ બંધ કરવામાં આવશે. 14 નવેમ્બરના રોજ ખડ્ગ-પુસ્તક પૂજન સાથે વેદ ઋચાઓનું વાચન બંધ થશે. 15 નવેમ્બરના રોજ માતા લક્ષ્મીને કઢાઈ ભોગ અર્પણ કરીને ભગવાન બદરીવિશાલના દરબારમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવશે.
16 નવેમ્બરના રોજ માતા લક્ષ્મી ગર્ભગૃહમાં બિરાજમાન થશે, જ્યારે ઉદ્ધવ અને કુબેર મંદિર પરિસરમાં આવી જશે. આ પછી રાત્રે 9 વાગ્યે ને 37 મિનિટે બદરીનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે.
કપાટ બંધ થયાના બીજા દિવસે 17 નવેમ્બરના રોજ ભગવાન ઉદ્ધવ અને કુબેરની ઉત્સવની ડોળીઓ પાંડુકેશ્વર સ્થિત યોગ બદરી મંદિર માટે રવાના થશે. શિયાળામાં અહીં તેમની પૂજા-અર્ચના થશે. ગરુડજી અને આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી જ્યોતિર્મઠ સ્થિત નૃસિંહ મંદિર માટે પ્રસ્થાન કરશે. 18 નવેમ્બરના રોજ શંકરાચાર્યની ગાદી નૃસિંહ મંદિરમાં બિરાજમાન થશે. આ સાથે જ બદરીનાથ ધામની વર્ષ 2026ની યાત્રાનું સમાપન થઈ જશે.
બીજી તરફ, કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાટ 11 નવેમ્બરના રોજ ભાઈબીજ પર જ્યારે ગંગોત્રી ધામના કપાટ 10 નવેમ્બરના રોજ ગોવર્ધન પૂજાના અવસરે બંધ થશે. ચારેય ધામના કપાટ બંધ થવાની તારીખો-
- ગંગોત્રી ધામ: 10 નવેમ્બર, ગોવર્ધન પૂજા.
- કેદારનાથ ધામ: 11 નવેમ્બર, ભાઈબીજને સવારે 8:30 વાગ્યે.
- યમુનોત્રી ધામ: 11 નવેમ્બર, ભાઈબીજ.
- બદરીનાથ ધામ: 16 નવેમ્બરના રોજ રાત્રે 9:37 વાગ્યે.
આ અવસરે પૂર્વ ઉપાધ્યક્ષ કિશોર પંવાર, બીકેટીસીના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાંગડ, પૂર્વ ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ, પૂર્વ સભ્ય ભાસ્કર ડિમરી અને પ્રોટોકોલ અધિકારી રાકેશ સેમવાલ, મંદિર અધિકારી યદુવીર પુષ્પવાન, જગમોહન બર્ત્વાલ, સંતોષ તિવારી, પંડાપંચાયતના અધ્યક્ષ પ્રવીણ ધ્યાની, ઉપાધ્યક્ષ સુધાકર બાબુલકર, પીતાંબર મોલ્ફા, બાબા ઉદય સિંહ, અતુલ ડિમરી, સંજય તિવારી, રાહુલ નેગી, સત્યેન્દ્ર ચૌહાણ સહિત ડિમરી પંચાયત, બ્રહ્મ કપાલ તીર્થ પુરોહિત પંચાયત, હકહકૂકધારી સંગઠનોના પ્રતિનિધિઓ અને બીકેટીસીના અધિકારીઓ-કર્મચારીઓ સહિત, તીર્થ પુરોહિતો, બામણી માણાના શ્રદ્ધાળુઓ અને સેંકડો યાત્રાળુઓ હાજર રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / જગદીશ પોખરિયાલ / રાજેશ કુમાર પાંડેય / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ