
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના જીવરાજ પાર્ક નજીક એપાર્ટમેન્ટમાં રહેતાં ૭૪ વર્ષના વૃધ્ધ સાંજે નવમા માળેથી પટકાતાં ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. વૃધ્ધને દોઢ બે વર્ષથી આંખે ઓછુ દેખાતુ હતું અને બીજી બિમારીની દવા પણ ચાલુ હતી. બનાવ અકસ્માતે બન્યો કે આપઘાત કર્યો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્ક પાસે સિધ્ધી એમ્પાયર એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતાં કાંતિભાઇ ભાણજીભાઇ પીસીવાડીયા-પટેલ (ઉ.વ.૭૪) ગત સાંજે સાડા ચારેક વાગ્યે નવમા માળની ગેલેરીમાંથી પટકાતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે મોટી સંખયામાં રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. પરિવારજનો પણ નીચે દોડી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી. પણ તેના તબિબ નિલેષ ગોહીલે તેમને મૃત જાહેર કર્યા હતાં.
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના આસી સબ ઇન્સ. ડી. સી. જોષી સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસના કહેવા મુજબ તેમના એક દિકરા પાસેથી પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. બાકીની તપાસ અંતિમવિધી બાદ કરવામાં આવશે. મૃત્યુ પામનાર કાંતિભાઇને દોઢ બે વર્ષથી આંખે ઓછુ દેખાતુ હતુ અને બિમારીની દવા પણ ચાલુ હતી. વૃધ્ધ અકસ્માતે પટકાયા કે પછી બિમારીઓથી કંટાળીને પડતું મુક્યું તેની હાલ ખબર પડી શકી નથી. જેથી તપાસ યથાવત રાખવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt