
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના અબલુવા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવાના હેતુથી વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકોની શૈક્ષણિક કામગીરી અને વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના માધ્યમથી શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના કાર્યનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષકોની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. શિક્ષકો માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું જ નહીં, પરંતુ તેમનામાં સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું સિંચન કરવાનું પણ કાર્ય કરે છે. આવા સન્માન કાર્યક્રમો શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડે છે.
કાર્યક્રમના અંતે શાળા પરિવારે આ આયોજનમાં સહયોગ આપનાર તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અબલુવા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમથી શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકોનું સન્માન કરવાના આ પ્રયાસને સરાહનીય પહેલ તરીકે જોવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ