
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં વિજયા દશમી (દશેરા)ના દિવસે ગોંડલ રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર સળગાવી સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સામાં શહેર પોલીસ કમિશનરના પૂતળાં કે આકૃતિ બાળવા અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ માલવીયાનગર પોલીસે ચાર સામાજિક આગેવાનો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વિગત મુજબ, ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજના સમયે ગોંડલ રોડ પર આવેલી દક્ષિણ મામલતદાર કચેરીની દીવાલ પાસે જાહેર રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કૃત્યનો વીડિયો ફેસબુક લાઈવ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ શેખલીયા અને અન્ય સ્ટાફ જ્યારે હાજર હતો ત્યારે 'jitubhai kotecha' નામના ફેસબુક આઈડી પરથી આ લાઈવ પ્રસારણ ધ્યાને આવ્યું હતું.
પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને વીડિયોમાં દેખાતા ચારેય ઇસમોની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમને વડાપ્રધાન સાથે અંગત વાંધો હોવાથી દશેરાના નિમિત્તે આ કૃત્ય કરીને ફેસબુક પર લાઈવ કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર હેમેન્દ્ર કોટેચા (ઉ.વ. ૪૭), મગનભાઇ ગોલાપભાઇ ડરાણીયા (ઉ.વ. ૬૩), શક્તિસિંહ કીરીટસિંહ ઝાલા (ઉ.વ. ૪૩) અને કમલેશભાઈ સુમનભાઈ પારેખ (ઉ.વ. ૬૬) નો સમાવેશ થાય છે. આ તમામ પોતાને સામાજિક આગેવાન તરીકે ઓળખાવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં કોઈપણ વ્યક્તિનું પૂતળું, આકૃતિ કે ચિત્ર બાળવા, લટકાવવા કે સળગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું (ક્રમાંક એસબી/જાહેરનામુ/૫૦૫૭/૨૦૨૬) તા. ૨૭/૦૮/૨૦૨૬ થી અમલમાં મુકવામાં આવ્યું છે. આ ચારેય ઇસમોએ કાયદાનો અનાદર કરીને આ જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો, જેના કારણે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩, ૩(૫) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખીમાણંદભાઈ મારુને સોંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt