
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલની પરિણીતા પાસે પતિના જામીન કરાવી દેવા તેમજ ઉચાપતના ગુનામાં પરિણીતા અને તેણીના સસરાનું નામ નહિ ખોલવા કહેવાતા પત્રકાર આણી ટોળકીએ રૂ. ૨૬ લાખનો તોડ કરી લીધો હતો. જે મામલે પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધી ગોંડલ બી ડિવિઝન પોલીસે કથિત પત્રકાર સહીતની ત્રિપુટીની ધરપકડ કરી હતી.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી કે જી ઝાલા દ્વારા ગ્રામ્ય પંથકમાં બનતા શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ રાખવા તેમજ મિલકત સંબંધી ગુનાઓનો તાત્કાલિક ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી.
જે સૂચના અનુસંધાને ગોંડલમાં રહેતા સોનલબેન મયુરભાઈ ઢોલના પતિ ઉચાપતના ગુનામાં ગોંડલ સબ જેલમાં બંધ હોય કથિત પત્રકાર રવિ રામાણી આણી ટોળકીએ પરીણિતાનો સંપર્ક કરી પોતે પોલીસ, જેલ ખાતા તેમજ કોર્ટમાં વર્ગ ધરાવતા હોવાનું જણાવી તેણીના પતિના જામીન કરાવી આપવા તેમજ ફરિયાદી અને તેમના સસરાનું નામ ગુનામાં નહીં ખોલવાનું જણાવી પરિણીતા પાસે કટકે કટકે રૂપિયા ૨૬ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
પૈસા પડાવ્યા બાદ પણ પરિણીતાના પતિના જામીન નહિ થતાં તેણીએ પૈસા પરત માંગતા કથિત પત્રકાર આણી ટોળકીએ ધમકી આપી હતી. જે મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ગોંડલ બી ડિવિઝન પોલીસે કહેવાતા પત્રકાર રવિ રાજેશભાઈ રામાણી (ઉવ ૩૦ રહે. વોરા કોટડા રોડ, ગોંડલ), અજયકુમાર સંજયગીરી ગોસ્વામી (ઉવ ૩૧ રહે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની પાછળ, જીત રેસીડેન્સી, રાજકોટ) અને મયુરકુમાર લીલાધરભાઇ ફીચડીયા (ઉવ ૪૪ રહે. ઉમવાડા ચોકડી, રમાનાથ દર્શન એપાર્ટમેન્ટ, ગોંડલ)ની ધરપકડ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt