
ભાવનગર 21 ઓક્ટોબર (હિ.સ.) :
ભાવનગર મંડળ હેઠળ ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને પ્રાદેશિક રેલવે સંપર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલરૂપે ટ્રેન નંબર 19218/19217 વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસના પ્રાયોગિક સ્ટોપેજનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ લાખાભાઈ કરગઠિયા તથા સરપંચ બાબુભાઈ મોકરિયાએ લીલી ઝંડી બતાવી ટ્રેન નંબર 19218/19217 વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસને રવાના કરી હતી.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને બંને દિશામાં પ્રાયોગિક સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ 21 ઑક્ટોબર, 2026થી ચોરવાડ રોડ સ્ટેશન પર ઊભી રહેશે. આ સ્ટેશન પર ટ્રેનના આગમનનો સમય 12:15 કલાકે અને પ્રસ્થાનનો સમય 12:16 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 19217 બાંદ્રા–વેરાવળ સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ 22 ઑક્ટોબર, 2026થી ચોરવાડ રોડ સ્ટેશન પર ઊભી રહેશે. આ સ્ટેશન પર ટ્રેનના આગમનનો સમય 05:49 કલાકે અને પ્રસ્થાનનો સમય 05:50 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માએ જણાવ્યું હતું કે ચોરવાડ રોડ સ્ટેશન પર આ પ્રાયોગિક સ્ટોપેજ શરૂ થવાથી સ્થાનિક મુસાફરોને રેલવે મુસાફરી માટે વધારાની સુવિધા મળશે. તેનાથી વિસ્તારના નાગરિકોની અવરજવર વધુ સરળ બનશે અને આસપાસના વિસ્તારોની રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત થશે. આ પહેલ સ્થાનિક નાગરિકોની અપેક્ષાઓને અનુરૂપ મુસાફર સુવિધાઓના વિસ્તરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
પશ્ચિમ રેલવે મુસાફરોની જરૂરિયાતો અને જનઅપેક્ષાઓને ધ્યાનમાં રાખીને રેલવે સેવાઓને વધુ સુવિધાજનક અને સુલભ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. મુસાફર સુવિધાઓના વિસ્તરણ દ્વારા સુરક્ષિત, સરળ અને સુવિધાજનક રેલવે મુસાફરી સુનિશ્ચિત કરવી એ રેલવેની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને રેલવે મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર મંડળ તરફથી અપર મંડળ રેલવે પ્રબંધક ઋત્વિક શર્મા સહિત અન્ય રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ