
ભાવનગર, 21 ઓક્ટોબર (હિ.સ.)સમાજ અને દેશની સરહદોનું રક્ષણ કરતા સૈનિકો સાથે સતત સંવેદનાત્મક જોડાણ જાળવનારા શ્રી મોરારિબાપુએ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા દરમિયાન અમૃતસર નજીક આવેલી વાઘા-અટારી સીમાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સેનાના જવાનો દ્વારા યોજાતી શૌર્યપૂર્ણ કવાયત નિહાળી અને દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે વંદના તથા અહોભાવ વ્યક્ત કર્યો હતો.
કન્યાકુમારીથી કેદારનાથ સુધીની ભારત સ્વસ્તિક યાત્રા દરમિયાન યોજાતી રામકથા માત્ર ધાર્મિક આયોજન પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજને નવી પ્રેરણા અને દિશા આપે તેવા પ્રયાસો મોરારિબાપુ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં વાઘા-અટારી સીમાની મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રસેવામાં સમર્પિત જવાનોની કામગીરીને નજીકથી નિહાળી હતી.
રાષ્ટ્રની સરહદે કે દેશમાં સર્જાતી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે તેમના પરિવારજનોને સંવેદના સહાય પહોંચાડવાની પહેલ પણ મોરારિબાપુ દ્વારા કરવામાં આવતી રહી છે. દેશ-વિદેશમાં જરૂરિયાતમંદો માટે સહાયકાર્ય અને કથાના આયોજનો દ્વારા પણ તેઓ સમાજ સાથે જોડાયેલા રહ્યા છે.
મોરારિબાપુની આ મુલાકાત દરમિયાન સેનાના અધિકારીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો. રેલગાડી દ્વારા રામકથામાં જોડાયેલા ભાવિક શ્રોતાઓએ પણ સેનાની કવાયત નિહાળી હતી. જવાનોના શૌર્ય અને સમર્પણથી પ્રભાવિત મોરારિબાપુએ જમ્મુ ખાતેની રામકથા દરમિયાન પણ આ અનુભવનો ઉલ્લેખ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA