
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ લદાખના હોટ સ્પ્રિંગ ખાતે ચીની સૈન્ય સામે લડતા શહીદ થયેલા સીઆરપીએફના ૧૦ જાબાંઝ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે 'પોલીસ સંભારણા દિવસ' ઉજવાય છે.
આ નિમિત્તે રાજકોટ શહેર અને મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ જવાનોને પુષ્પચક્ર અર્પણ કરી, ગાર્ડ ઓફ ઓનર સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત સ્મરણાંજલિ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તમામ ઉચ્ચ અધિકારીઓએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કમિશનરે જણાવ્યું હતું કે, દેશ અને નાગરિકોની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોનું ઋણ સમાજ કે પોલીસ વિભાગ ક્યારેય ચૂકવી શકશે નહીં, અને પોલીસ પરિવાર હંમેશાં શહીદ પરિવારોની પડખે ઊભો રહેશે. આ પ્રસંગે બે મિનિટનું મૌન પાળી, હથિયાર નમાવીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
તેવી જ રીતે મવડી હેડક્વાર્ટર ખાતે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની ઉપસ્થિતિમાં શહીદ દિવસ મનાવાયો હતો, જ્યાં હવામાં ફાયરિંગ કરી સલામી આપવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન દેશભરમાં કુલ ૧૯૧ જવાનો શહીદ થયા છે, જેમાં ગુજરાતના એએસઆઈ અજીત નંદે અને કોન્સ્ટેબલ બીરેન્દ્રસિંહ રાઓલનો પણ સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt