
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : વરસાદને કારણે રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત એવા આજી અને ન્યારીમાં હવે માત્ર ૨૦ દિવસનું અને ભાદરમાં જાન્યુઆરી માસ સુધીનો જ જળજથ્થો રહ્યો છે ત્યારે રાજકોટ પર ગંભીર જળ સંકટ ઘેરાવાની સંભાવનાના પગલે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આવતીકાલે ગાંધીનગર જઇને સચિવ કક્ષાના અધિકારીઓ પાસે રાજકોટની ગંભીર પાણી સમસ્યા મુદ્દે વિગતવાર રજુઆત કરશે. ગાંધીનગરથી આવ્યા બાદ તેઓ રાજકોટની પાણી સમસ્યા અંગે સાચો ચિતાર મીડિયા સમક્ષ રજુ કરે તેવી સંભાવના છે.
રાજકોટમાં અપુરતા વરસાદ વચ્ચે મુખ્ય જળાશયો આજી અને ન્યારીમાં પાણીની આવક થઇ નથી. આ કારણે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના હેઠળ નર્મદાનીરનો આગામી જૂન ૨૦૨૭ સુધી ચાલે તેટલો ચાર હજાર એમસીએફટી પાણી આપવા માગણી કરી છે. પણ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા લાંબા સમયથી શહેરની દૈનિક જરૂરિયાત મુજબ આપવામાં આવતું સાત થી આઠ એમસીએફટી નર્મદાનીર પણ લાંબા સમયથી બંધ કરી દેવાતા આગામી દિવસોમાં રાજકોટ માટે પાણીની વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેમ છે.
ગત તા. ૧૭મીએ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પણ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રાજકોટને પાણી પુરું પાડતાં આજી અને ન્યારી ડેમમાં આગામી તા. ૧૦ નવેમ્બર અને ભાદર ડેમમાં જાન્યુઆરી ૨૦૨૭ સુધીનો જ જળ જથ્થો હોવાનો અને જો નર્મદાનીર માગણી મુજબ ન મળે તો આગામી દિવસોમાં પાણી વિતરણ માટે આયોજન કરવું પડે તેવી સ્થિતિ હોવાનો લેખિત સ્વીકાર કર્યો હતો.
આ પછી રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીની પરિસ્થિતિ અંગે સંબંધિત કમિશનરોને જળાશયોની વર્તમાન સ્થિતિના આંકડા અને નર્મદાનીર વગર કેટલો સમય પાણી વિતરણ થઇ શકે તેમ છે તે મુદ્દે આંકડાકિય વિગતો સાથે અને જો નર્મદાનીર સમયસર ન મળે તો મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણનું કઈ રીતે આયોજન થઈ શકે તેના સહિતની તમામ વિગતો સાથે ગાંધીનગર ખાતે બોલાવાયા છે.
સચિવ કક્ષાની આ બેઠકમાં હાજરી આપવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ આવતીકાલે ગાંધીનગર જઈ રહ્યા છે. સચિવ કક્ષાની આ બેઠકમાં રાજકોટ સહિત જ્યાં પુરતો વરસાદ થયો નથી અને જ્યાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેમ છે તેવા મહાનગરોમાં આગામી ચોમાસા સુધી નર્મદાનીરના કેટલાં જથ્થાની જરૂર પડશે તે મુદ્દે 'વોટર બજેટ' બનાવવામાં આવશે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સુમેરા તેમજ વોટરવર્કસ વિભાગના અધિકારીઓ પણ હાજરી આપે તેવી સંભાવના છે. આ બેઠકમાંથી પરત આવ્યા બાદ કમિશનર સુમેરા એક બે દિવસમાંજ રાજકોટની પાણીની સાચી પરિસ્થિતિનો ચિતાર આપશે.
જો કે આ બાબતે કમિશનરે સોશિયલ મિડીયાને એવું કહ્યું હતું કે તેઓ આવતીકાલે ગાંધીનગર જવાના છે પણ તેમાં રાજકોટના પાણીપ્રશ્ને કોઇ ચર્ચા કરવાના નથી. પણ શહેરીજનોને આગામી ચોમાસા સુધી નિયમિત ૨૦ મિનિટ પાણી મળે તે માટે આયોજન ઘડીને એક બે દિવસમાં જ પાણીની સ્થિતિનો સાચો ચિતાર શહેરીજનો સામે મુકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt