
ગીર સોમનાથ, 21 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા–સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગાભાઈ બારડના જન્મદિવસ નિમિત્તે આગામી તા. 1 નવેમ્બર, 2026ના રોજ ‘ધારાસભ્ય યુથ રન–2026’નું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના વિચારને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી આ યુથ રન સવારે 6:30 કલાકે આજોજા સ્થિત ડી.એમ. બારડ સ્કૂલ ખાતેથી શરૂ થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, નિયમિત વ્યાયામ અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
આ યુથ રન માત્ર દોડ પૂરતી મર્યાદિત ન રહેતાં લોકોમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય હિતના સંદેશાઓ પણ પ્રસરાવશે. જેમાં સ્વચ્છતા જાળવવી, પાણીનું સંરક્ષણ કરવું, પર્યાવરણ બચાવવું, નશામુક્તિ અપનાવવી તથા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા અભિયાનો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
સ્વસ્થ યુવા શક્તિ, સ્વચ્છ પર્યાવરણ, જળસંરક્ષણ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ દ્વારા વિકસિત ભારતના ધ્યેયમાં દરેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો આ કાર્યક્રમનો સંકલ્પ છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુવાનો સહિત રમતગમત અને ફિટનેસમાં રસ ધરાવતા તમામ નાગરિકોને આ યુથ રનમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ