
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલના રણછોડનગરમાં રહેતા ૧૯ વર્ષીય યુવાન બ્રિજેશ જેઠવા પર ચાર લુખ્ખાઓએ પ્રેમપ્રકરણની અદાવતમાં જાનલેવા હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મહિલા મિત્રને હેરાન કરતા યુવકને ટોકવાની અદાવત રાખી ચાર શખ્સોની ટોળકીએ યુવાનને ઢોર માર મારી નદીના પાળે ઊંધો લટકાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગોંડલ સીટી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, પીડિત યુવકની મહિલા મિત્રને આરોપી ગૌતમ વાઘેલા સતત મેસેજ કરીને હેરાન કરતો હતો. યુવતીએ આ અંગે બ્રિજેશને વાત કરી ગૌતમને સમઝાવવા કહ્યું હતું. ત્યારબાદ ગૌતમે યુવકને મળવા બોલાવ્યો હતો, પરંતુ યુવકે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપી ગૌતમે પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને યુવક પર હુમલો કરવાનું આયોજન ઘડી કાઢ્યું હતું.
ગત ૧૯મી તારીખે બપોરે યુવક બ્રિજેશ અને તેનો મિત્ર વત્સલ જોષી ગોંડલી નદીના કાંઠે આવેલ મેલડી મા ના મંદિરે સાફ-સફાઈ કરી રહ્યા હતા. તે સમયે ગૌતમ વાઘેલા, મિલન ઝાલા, સ્મિત ઉર્ફે રાજા પરમાર અને રોનક પરમાર વાહનો લઈને ધસી આવ્યા હતા. આ ચારેય શખ્સોએ યુવકને ઢીકાપાટુનો માર મારી કમરના પટ્ટા વડે બેફામ ફટકાર્યો હતો. વચ્ચે પડેલા તેના મિત્ર વત્સલને પણ આરોપીઓએ ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ આરોપી સ્મિત પરમારે છરી બતાવી યુવક પાસે બળજબરીપૂર્વક માફી મંગાવી સમાજ વિશે ખોટું બોલાવી પોતાના મોબાઇલમાં વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. આટલેથી ન અટકતા, ચારેય શખ્સોએ યુવકના પગ પકડીને તેને મારી નાખવાના ઈરાદા સાથે નદીના પાળા પરથી ઊંધો લટકાવી દીધો હતો અને પાણીમાં ડૂબાડી દેવાની ધમકી આપી હતી. યુવકે કરગરીને જીવની ભીખ માંગતા આખરે તેને ઉપર ખેંચી લેવાયો હતો.
હુમલો કર્યા બાદ આરોપીઓ પોલીસ કેસ ન કરવા અંગે જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત બ્રિજેશને તેના મિત્રએ તુરંત ગોંડલ સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યો હતો. આ મામલે બ્રિજેશની ફરિયાદના આધારે ગોંડલ સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt