રાજકોટમાં ગરબા જોઈ પરત ફરતા પરિવારની કાર અને દુકાનમાં સોડા બોટલના ઘા અને પથ્થરમારો
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ અસામાજિક અને માથાભારે તત્વો બેફામ બન્યા છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા આસ્થા ચોક નજીક ગરબા જોઈને વહેલી સવારે ઘરે પરત ફરી રહેલા એક નિર્દોષ પરિવારની કાર તેમજ
ફરિયાદ


રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ અસામાજિક અને માથાભારે તત્વો બેફામ બન્યા છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા આસ્થા ચોક નજીક ગરબા જોઈને વહેલી સવારે ઘરે પરત ફરી રહેલા એક નિર્દોષ પરિવારની કાર તેમજ નજીકમાં આવેલી એક પાનની દુકાન પર કેટલાક લુખ્ખાઓએ પથ્થરમારો અને સોડા બોટલોથી તોડફોડ મચાવતા ચકચાર જાગી છે. જૂની અદાવતના કારણે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

ઘટનાની વિગત મુજબ, રેલનગર સ્થિત રાધિકા રેસિડેન્સીમાં રહેતા યશરાજસિંહ સરવૈયા વહેલી સવારે પોતાના મિત્ર અને પરિવાર સાથે ગરબા જોઈને પોતાની ગ્રાન્ડ વિટારા કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાળકી માટે આઈસ્ક્રીમ લેવા આસ્થા ચોક તરફ જતા રસ્તે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર કાચની બોટલો અને પથ્થરોના ઘા કર્યા હતા. આ હુમલામાં કારના આગળના કાચ અને દરવાજાને મોટું નુકસાન થયું હતું. બાદમાં બહાર આવ્યું હતું કે હુમલાખોરોએ અન્ય કોઈ વ્યક્તિ સમજીને આ નિર્દોષ પરિવારની કારને નિશાન બનાવી હતી.

બીજી તરફ, આસ્થા ચોક નજીક પોપટપરા મેઈન રોડ પર આવેલી 'કાજલ પાન' નામની દુકાનને પણ અસામાજિક તત્વોએ નિશાન બનાવી હતી. દુકાન માલિક સલીમભાઈ ચાનીયા વહેલી સવારે પોતાની દુકાને પહોંચ્યા ત્યારે ત્યાં ભારે તોડફોડ થયેલી જોવા મળી હતી. દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરા ચકાસતા સાહીલ વ્યાસ અને પિયુષ ભરવાડ નામના શખ્સો કાચની બોટલો અને પથ્થરો વડે દુકાન તેમજ સીસીટીવી કેમેરા તોડતા નજરે પડ્યા હતા, જેને પગલે વેપારીએ પોલીસને જાણ કરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાનની દુકાન ધરાવતા સલીમભાઈના પરિવારને પોપટપરાના એક માથાભારે શખ્સ સાથે જૂની અદાવત ચાલી રહી હતી. ગઈકાલે બંને પક્ષો વચ્ચે ફરી બબાલ થઈ હતી અને સામસામે હુમલો કરવાની ફિરાકમાં હતા. તે દરમિયાન યશરાજસિંહ પોતાની કાર લઈને નીકળતા હરીફ પક્ષ સમજીને સલીમભાઈના પુત્ર સાહિલ રત્ના સહિતના શખ્સોએ કાર પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ સામા પક્ષે પાનની દુકાનમાં જઈને તોડફોડ મચાવી વેર વાળ્યું હતું.

આ સમગ્ર મામલે ભોગ બનનાર નાગરિકોની ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોપટપરા અને રેલનગર વિસ્તારમાં ચાલતી આ અદાવતને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને હુમલાખોર સાહિલ રત્ના, સાહિલ વ્યાસ અને પિયુષ ભરવાડ સહિતના અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande