રાજકોટમાં ફ્લિપકાર્ટ પાર્સલ ચોરી મામલે ઇ-કાર્ટનો ડિલિવરી બોય રૂ.12 લાખની મત્તા સાથે ઝડપાયો
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરની ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. ઝોન-૦૨ ની ટીમે સંયુક્ત કામગીરી કરીને ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના મોંઘા પાર્સલની ચોરી કરનાર શાતિર ડિલિવરી બોયને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ.
પાર્સલ ચોરીના આરોપીની ધરપકડ


રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરની ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. ઝોન-૦૨ ની ટીમે સંયુક્ત કામગીરી કરીને ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના મોંઘા પાર્સલની ચોરી કરનાર શાતિર ડિલિવરી બોયને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૨.૦૫ લાખથી વધુની કિંમતના મોંઘા સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય કિંમતી સામાન જપ્ત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં તા. ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ નોંધાયેલ ગુના અન્વયે, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધીકા ભારાઈના સુપરવિઝન હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પી.આઈ. કે.કે. ગોહીલ, પીએસઆઈ એસ.વી. ચુડાસમા અને પીએસઆઈ એસ.એન. શ્યોરાની ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી ગઈકાલે બજરંગ ચોક, ન્યુ ૧૫૦ ફીટ રીંગ રોડ પરથી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

પોલીસના હાથે ઝડપાયેલ આરોપીનું નામ મીહીર રમેશભાઈ વાધેલા (ઉંમર વર્ષ ૨૪) છે. આરોપી મૂળ ભાવનગરના વડવા તલાવડી વિસ્તારનો વતની છે અને હાલ રાજકોટના યાજ્ઞિક રોડ, કોલેજવાડી શેરી નંબર ૦૧ ની સામે આવેલ પી.જી.માં રહીને ખાનગી નોકરી તથા મજૂરીકામ કરતો હતો.

આરોપી ભાવનગરથી રાજકોટ આવી ઇ-કાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરીમાં જોડાયો હતો. તે ફ્લિપકાર્ટ પર પોતાના મિત્રોના નામે મોંઘા સ્માર્ટફોન તથા અન્ય વસ્તુઓ ઓર્ડર કરતો હતો. ત્યારબાદ પોતાના ડિલિવરી રૂટ મુજબ જે-તે સરનામું નાખીને પાર્સલ પોતાની પાસે જ ડિલિવરીમાં આવે તેવું સેટિંગ કરતો હતો અને પાર્સલ પહોંચાડવાને બદલે તેની ચોરી કરી લેતો હતો.

પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.૧૨,૦૫,૯૨૧ ની કિંમતનો કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૧૧ નંગ Google Pixel 10A, ૨ નંગ Samsung Galaxy S25FE, ૧ નંગ iPhone 17, Motorola અને Realme સ્માર્ટફોન, DJI Osmo Mobile Gimbal, SanDisk 1TB Phone SSD, Casio તથા Titan ઘડિયાળ, OnePlus Earbuds, BoAt Air Podes, Philips Trimmer, Skechers અને Abros ના શૂઝ તથા અન્ય એક્સેસરીઝનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande