ઇન્સ્ટાગ્રામ પ્રેમ પ્રકરણ: રાજકોટમાં યુવતીના બ્લેકમેઇલિંગથી કંટાળી યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં સોશિયલ મીડિયા પર થયેલા એક પ્રેમસંબંધે ગંભીર વળાંક લીધો છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ યુવતી દ્વારા અવારનવાર નાણાં પડાવી અને બદનામ કરવાની ધમકીઓ આપતા ૨૬ વર્ષીય શ્રમિક યુવકે આજીડેમ વિસ્તારમાં ઝેરી દવા પીને
ઝેરી દવા


રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં સોશિયલ મીડિયા પર થયેલા એક પ્રેમસંબંધે ગંભીર વળાંક લીધો છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ યુવતી દ્વારા અવારનવાર નાણાં પડાવી અને બદનામ કરવાની ધમકીઓ આપતા ૨૬ વર્ષીય શ્રમિક યુવકે આજીડેમ વિસ્તારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કર્યો છે.

રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે પવન કોમ્પ્લેક્સ નજીક રહેતો ૨૬ વર્ષીય નેપાળી યુવાન યુવરાજ કેતનભાઇ થાપા કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેનો પરિચય શ્રદ્ધા નામની યુવતી સાથે થયો હતો. આ મિત્રતા ધીમે-ધીમે પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ હતી, જે યુવકના જીવન માટે મુસીબત બની જશે તેવી તેને કલ્પના પણ નહોતી.

પ્રેમ સંબંધ ગાઢ બન્યા બાદ યુવતીએ વિવિધ બહાના બનાવીને યુવરાજને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. છેલ્લા સાતેક મહિનાના સમયગાળા દરમિયાન શ્રદ્ધાએ યુવરાજ પાસેથી કટકે-કટકે કરીને આશરે ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. શ્રમિક યુવકે પોતાની મહેનત મજૂરીની કમાણી આ પ્રેમમાં હોંશે-હોંશે ખર્ચી નાખી હતી, પરંતુ યુવતીની લાલચનો કોઈ અંત આવ્યો નહોતો.

રૂપિયા પડાવ્યા બાદ પણ યુવતીનું મન ન ભરતાં તેણે યુવરાજ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, શ્રદ્ધાએ યુવરાજને 'તું ખોટા ધંધા કરે છે' તેવા ખોટા આક્ષેપો મૂકીને સમાજમાં બદનામ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીના આ સતત માનસિક ત્રાસ અને આર્થિક છેતરપિંડીથી યુવરાજ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડ્યો હતો.

આ માનસિક ત્રાસ સહન ન થતાં આખરે યુવરાજે ગઈકાલે આજીડેમ તળાવ નજીકના પુલ પર પહોંચીને ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક છે અને સારવાર ચાલી રહી છે. હાલ હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને આ મામલે જાણ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે યુવતી શ્રદ્ધા સામે કાયદેસરની તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભોળા યુવાનોને ફસાવીને નાણાં પડાવતી આવી ગેંગ કે વ્યક્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ યુવક આ પ્રકારની જાળનો ભોગ ન બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande