જૂનાગઢના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ’ એનાયત
જુનાગઢ 21 ઓક્ટોબર (હિ.સ.) : ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન વાત્સલ્યધામ શિક્ષણ અને સેવા સંકુલ, હડાદ, બનાસક
જૂનાગઢના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો


જુનાગઢ 21 ઓક્ટોબર (હિ.સ.) : ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન વાત્સલ્યધામ શિક્ષણ અને સેવા સંકુલ, હડાદ, બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર, ચણાકાના શિક્ષિકા મીરા સતિષભાઈ વૈષ્ણવને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ જતન ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી બદલ રાજ્યકક્ષાનો ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ-૨૦૨૬’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે તેમને જૂનાગઢ જિલ્લા કન્વીનર તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમને કાર્યક્રમમાં બેવડું સન્માન પ્રાપ્ત થયું હતું.

પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્રકૃતિ જતન અને જીવદયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો, ખેડૂતો, વેપારીઓ, વિવિધ વ્યવસાયકારો, અધિકારીઓ તથા એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રકૃતિપ્રેમીઓની પસંદગી કરી દર વર્ષે ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ’થી સન્માન કરવામાં આવે છે.

આ વર્ષે જૂનાગઢ જિલ્લામાંથી મીરા સતિષભાઈ વૈષ્ણવની પસંદગી કરવામાં આવી હતી. તેઓ પ્રકૃતિ મિત્ર તરીકે શાળામાં પણ વિવિધ પ્રકૃતિ સંરક્ષણની પ્રવૃત્તિઓ ચલાવે છે જેમાં ઇકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, બીજ બેંક તેમજ પ્રકૃતિ મંડળ જેવી પ્રવૃત્તિ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ વનવિભાગ દ્વારા થતી પ્રકૃતિ શિક્ષણ શિબિરના તજજ્ઞ તરીકે પણ સેવાઓ આપે છે અને વિધાર્થીઓને વિવિધ જગ્યાએ થતી પ્રકૃતિ શિક્ષણ શિબિર માં લઈ જઈને પર્યાવરણ નું શિક્ષણ આપી પ્રકૃતિપ્રેમી બનાવે છે.

તેઓ વિદ્યાર્થીઓને અનુભવ જન્ય શિક્ષણ મળી રહે તે માટે ૧૬૦ થી વધુ જગ્યાએ ક્ષેત્રિય મુલાકાત કરાવેલ છે. શિક્ષણક્ષેત્રે તેમનો આ નવતર પ્રયોગ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત તેમણે પ્લાસ્ટિક માંથી ૩૦૦ જેટલા વિવિધ ગણિત -વિજ્ઞાનના રમકડા અને પ્રયોગોના સાધનો બનાવેલ છે, જે નેશનલ ટોય ફેર માં પસંદગી પામેલ છે.

આ સમારોહ ના મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શોભનાબેન બારૈયા તથા વાહ સંસ્થાના ચેરમેન પ્રફુલભાઈ અમીન તેમજ આર્ટ ઓફ લિવિંગના શ્રી સંજીવ કોઠારી અને શ્રીમતી જીગીશા કોઠારી તથા કિશનચંદ ટેક ચંદ પરિવાર, ખેડબ્રહ્માના તમામ સભ્યો અને પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના મુખ્ય સંયોજક ડૉ. રાકેશ કે. પ્રજાપતિ અને તેમના શાળા મંડળના પ્રમુખઅને મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

ચાલુ વર્ષે પ્રકૃતિ મિત્ર ગ્રુપના પર્યાવરણ અભિયાન સાથે ગુજરાતની ૧૦૦૦ થી વધુ શાળાઓ, મહારાષ્ટ્રની આશરે ૧૫૦ શાળાઓ તથા રાજસ્થાનની આશરે ૫ શાળાઓ જોડાઈ હતી. તા.૨૫ ઓગસ્ટના રોજ એકસાથે વૃક્ષારોપણ સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ યોજીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની સિદ્ધિ પણ હાંસલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થયેલા પર્યાવરણપ્રેમી મિત્રોને એવોર્ડ, આકર્ષક ભેટ તથા પ્રસાદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો, સમગ્ર સ્ટાફ પરિવાર, પ્રકૃતિ મિત્ર બાળકો તથા વિવિધ જિલ્લાના કન્વીનર મિત્રોએ ભારે જહેમત ઉઠાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવી સમાજમાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ જાગૃતિની ભાવના મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande