



ગાંધીધામ, ભચાઉ અને રાપર સહિતના શૈક્ષણિક વહીવટને મળશે સ્થાનિક સ્તરે સુવિધા; મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કચેરીનો વિધિવત પ્રારંભ
કચ્છ, 21 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લાના શૈક્ષણિક વહીવટને વધુ સુલભ બનાવવાની દિશામાં અંજાર ખાતે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 16 ઓક્ટોબર, 2026ના રોજ અંજારની શેઠ ધરમસિંહ વલ્લભદાસ (ડી.વી.) હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં નવી કચેરીની કામગીરીનો પ્રારંભ થયો હતો. આ કચેરી શરૂ થવાથી પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વહીવટી કામગીરીમાં સરળતા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છ જેવા વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા જિલ્લામાં શૈક્ષણિક વહીવટને સ્થાનિક સ્તરે સુલભ બનાવવાની દૃષ્ટિએ આ નવી વ્યવસ્થાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સંબંધિત વિવિધ કામગીરી માટે ભુજ સુધી પહોંચવાની જરૂરિયાત ઊભી થતી હોય તેવા સંજોગોમાં અંજાર ખાતે કચેરી શરૂ થવાથી સંબંધિત ચાર તાલુકાની શાળાઓને વહીવટી સંકલન અને કામગીરી માટે સ્થાનિક સ્તરે સુવિધા ઉપલબ્ધ થશે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે પૂર્વ કચ્છમાં નવી કચેરી શરૂ થવા બદલ મંત્રી ત્રિકમભાઈ છાંગા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિર, અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન આપ્યાં હતાં. તેમણે વર્ષ 1937માં શરૂ થયેલી ડી.વી. હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાની યાદોને તાજી કરી હતી અને નવી કચેરીના પ્રારંભ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છમાં અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ થવાથી શાળાઓની વહીવટી કામગીરી વધુ અનુકૂળ બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સ્થાનિક સ્તરે કચેરી ઉપલબ્ધ થવાથી શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ વિભાગ વચ્ચેનું સંકલન સરળ બનવાની પણ અપેક્ષા છે.
આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાનાં પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, વર્ગ-2ના આચાર્યો, વહીવટી કર્મચારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાનાં શિક્ષિકા મનિષાબેન દવેએ કર્યું હતું, જ્યારે આભારવિધિ વર્ગ-2ના આચાર્ય જયેશભાઈ પીઠડિયાએ કરી હતી.
અંજાર ખાતે શરૂ થયેલી આ નવી કચેરીથી પૂર્વ કચ્છની શાળાઓને શૈક્ષણિક વહીવટ માટે વધુ નજીકની સુવિધા મળશે અને દૈનિક કામગીરીમાં સરળતા ઊભી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar