કચ્છમાં ઘોરાડ સંરક્ષણને મોટી સફળતા : જમ્પ સ્ટાર્ટ ટેક્નિકથી જન્મેલું બચ્ચું નર હોવાનું સામે આવ્યું
કચ્છ, 21 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ પશ્ચિમ વન વિભાગના સંરક્ષણ પ્રયાસો અંતર્ગત 21 મે, 2026ના રોજ નલિયા વિસ્તારના ગ્રાસલેન્ડમાં જમ્પ સ્ટાર્ટ ટેક્નિકની મદદથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બીજા બચ્ચાનો જન્મ થયો હતો. ત્યારબાદ 24 મેના રોજ આ બચ્ચું સૌપ્રથમ વખત તેના
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ


ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ


કચ્છ, 21 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ પશ્ચિમ વન વિભાગના સંરક્ષણ પ્રયાસો અંતર્ગત 21 મે, 2026ના રોજ નલિયા વિસ્તારના ગ્રાસલેન્ડમાં જમ્પ સ્ટાર્ટ ટેક્નિકની મદદથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બીજા બચ્ચાનો જન્મ થયો હતો. ત્યારબાદ 24 મેના રોજ આ બચ્ચું સૌપ્રથમ વખત તેના કુદરતી આવાસમાં જોવા મળ્યું હતું. ત્યારથી કુદરતી વાતાવરણમાં તેનું ટકી રહેવું અને વિકાસ થવો સંરક્ષણની દૃષ્ટિએ નોંધપાત્ર બાબત છે.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII)ના નિષ્ણાતોએ બચ્ચાની શારીરિક લાક્ષણિકતાઓનું મૂલ્યાંકન કર્યા બાદ તેને નર તરીકે ઓળખ્યું છે. તેના માથાના ઉપરના ભાગમાં રાખોડી પીંછાંનો અભાવ, ઘેરો કાળો રંગ, પ્રમાણમાં જાડી ગરદન અને પગની રચના જેવી વિશેષતાઓના આધારે આ ઓળખ કરવામાં આવી છે. ઘોરાડની સંખ્યા અત્યંત ઓછી હોવાથી બચ્ચાની ઓળખ અને તેના વિકાસ પર નજર રાખવી સંરક્ષણ કાર્યમાં મહત્ત્વ ધરાવે છે.

ઘોરાડ માત્ર દુર્લભ પક્ષી જ નહીં, પરંતુ ઘાસમેદાનની પર્યાવરણીય વ્યવસ્થાનો પણ અગત્યનો હિસ્સો છે. તેના આહારમાં તીડ, ભમરા, અન્ય કીટકો, નાના જીવો, બીજ અને વિવિધ વનસ્પતિજન્ય ખોરાકનો સમાવેશ થાય છે. આહારની આ વિવિધતા તેને ઘાસમેદાનની ખાદ્યશૃંખલામાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે. ઘોરાડનું સંરક્ષણ તેના કુદરતી આવાસ અને ત્યાં વસવાટ કરતી અન્ય વન્યજીવ પ્રજાતિઓના રક્ષણ સાથે પણ જોડાયેલું છે.

કચ્છના નલિયા વિસ્તારમાં જમ્પ સ્ટાર્ટ ટેક્નિકથી જન્મેલા બચ્ચાનું કુદરતી વાતાવરણમાં સફળતાપૂર્વક ટકી રહેવું ભવિષ્યમાં ઘોરાડની વસતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો માટે આશાનું કિરણ બન્યું છે. આ સફળતા દુર્લભ પક્ષી અને તેના ઘાસમેદાની આવાસને બચાવવાની દિશામાં વૈજ્ઞાનિક સંશોધન તથા સંરક્ષણ પ્રયાસોના મહત્ત્વને ઉજાગર કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande