રાજકોટ મહાપાલિકામાં બે વર્ષમાં કાર્યક્રમો પાછળ ₹19.41 કરોડનો ધુમાડો
સ્ટેન્ડિંગ કમિટી અને સભાની યોગ્ય મંજૂરી વગર જ આડેધડ ખર્ચ કરાયાનો સામાન્ય સભામાં ખુલાસો રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકામાં નાના-મોટા ખાતમુહૂર્ત અને વીઆઈપી કાર્યક્રમો પાછળ શાસકો તથા અધિકારીઓએ છેલ્લા બે વર્ષમાં ₹19.41 કરોડનો બેફા
રાજકોટ કોર્પોરેશન


- સ્ટેન્ડિંગ કમિટી અને સભાની યોગ્ય મંજૂરી વગર જ આડેધડ ખર્ચ કરાયાનો સામાન્ય સભામાં ખુલાસો

રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટ મહાનગરપાલિકામાં નાના-મોટા ખાતમુહૂર્ત અને વીઆઈપી કાર્યક્રમો પાછળ શાસકો તથા અધિકારીઓએ છેલ્લા બે વર્ષમાં ₹19.41 કરોડનો બેફામ ખર્ચ કરી નાખ્યો હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. જંગલેશ્વર ડિમોલિશન વખતના ₹27 લાખના ફૂડ બિલનો વિવાદ ગાજી રહ્યો છે ત્યારે, સાંસ્કૃતિક વિભાગના આ કરોડોના આડેધડ ખર્ચ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસના કોર્પોરેટર સુધાબા વાઘેલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં મનપા તંત્રે સ્વીકાર્યું છે કે 1 ઓક્ટોબર, 2024થી 12 ઓક્ટોબર, 2026 સુધીમાં અલગ-અલગ 89 કાર્યક્રમો પાછળ ₹17.57 કરોડ અને પગાર પેટે ₹1.83 કરોડ મળી કુલ ₹19.41 કરોડ વપરાયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આટલા મોટા ખર્ચમાંથી માત્ર ₹2.65 કરોડના ખર્ચ માટે જ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવામાં આવી હતી.

અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર જ તત્કાલ ઓર્ડર કે રેટ કોન્ટ્રાક્ટના નામે દાયકાઓ જૂની પરંપરા મુજબ નાણાં વેડફવામાં આવતા હતા. સામાન્ય સભામાં કોઈપણ જાતની મંજૂરી લીધા વગર જ શાસકોની સૂચનાથી અધિકારીઓએ કરોડો રૂપિયાના બિલ પાસ કરી દીધા હોવાની વિગતો જાહેર થતાં મનપાના વહીવટ પર સવાલો ઊઠ્યા છે.

જોકે, અણધાર્યા ખર્ચાઓને કારણે વિવાદ સર્જાતાં અને તપાસનો ડર પેદા થતાં છેલ્લા કેટલાક મહિનાઓથી અધિકારીઓએ આવા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનું શરૂ કર્યું છે. હવેથી મનપામાં કાર્યક્રમો પાછળ થતા ખર્ચમાં પારદર્શકતા લાવવા માટે ટેન્ડર બહાર પાડીને જ કામગીરી કરવાની નવી નીતિ અમલમાં મૂકવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande