
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ તાલુકામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે આવતીકાલથી ધોરણ 3થી 8ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તૈયારીઓમાં લાગી ગયા છે. શાળાઓમાં પરીક્ષાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ વિવિધ વિષયોના પુનરાવર્તન સાથે પરીક્ષા માટે સજ્જ બની રહ્યા છે.
પરીક્ષાના સમયપત્રક મુજબ, ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે. જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષાની શરૂઆત ગુજરાતી વિષયના પેપરથી થશે. ત્યારબાદ નિર્ધારિત સમયપત્રક પ્રમાણે અન્ય વિષયોની પરીક્ષાઓ યોજવામાં આવશે.
પરીક્ષાના અંતિમ તબક્કામાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે 28 તારીખે અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા 29 તારીખે સામાજિક વિજ્ઞાનના પેપર સાથે પૂર્ણ થશે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલા જ્ઞાન અને શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ