રાજકોટના હિરાસર એરપોર્ટ નજીક આકાર લેશે વિશાળ હાઈટેક પોલીસ ટ્રેનિંગ એકેડેમી
રાજ્યમાં કરાઈ અને જૂનાગઢ બાદ ત્રીજું મોટું તાલીમ કેન્દ્ર બનશે, 150 એકરમાં નિર્માણ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલાઈ રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક 150 એકર જમીનમાં અત્યાધુનિક હાઈટેક પોલી
પોલીસ ટ્રેનિંગ સેન્ટર


- રાજ્યમાં કરાઈ અને જૂનાગઢ બાદ ત્રીજું મોટું તાલીમ કેન્દ્ર બનશે, 150 એકરમાં નિર્માણ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલાઈ

રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક 150 એકર જમીનમાં અત્યાધુનિક હાઈટેક પોલીસ ટ્રેનિંગ એકેડેમી સ્થાપવાનું આયોજન કરાયું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી દેવાઈ છે. આ કેન્દ્ર શરૂ થતાં નવભરતી જવાનોને હાઈટેક તાલીમ મળશે અને જિલ્લા સ્તરે તાલીમ લેવાની મર્યાદામાંથી મુક્તિ મળશે.

ગુજરાત ગૃહ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ જવાનોને આધુનિક સમયના પડકારો સામે સજ્જ કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના પ્રયાસોના ભાગરૂપે હિરાસર એરપોર્ટ નજીક 150 એકર જમીન પસંદ કરવામાં આવી છે. સરકાર તરફથી લીલી ઝંડી મળતાં જ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવશે, જેનાથી રાજકોટના વિકાસમાં નવું પાસું ઉમેરાશે.

હાલમાં ગુજરાતમાં ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડેમી અને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર એમ બે જ મોટી તાલીમ સંસ્થાઓ કાર્યરત છે. દર વર્ષે થતી હજારો જવાનોની ભરતીના કારણે આ બંને સેન્ટરો પર ટ્રેનિંગનું ભારે ભારણ રહે છે. જગ્યા અને સંસાધનોની મર્યાદાના કારણે નવા ભરતી થયેલા જવાનોને ઘણીવાર જિલ્લા કક્ષાના હેડક્વાર્ટર કે સ્થાનિક સ્તરે પ્રાથમિક તાલીમ લેવી પડતી હતી, જ્યાં વ્યાવસાયિક સ્તરની તાલીમ મળવી મુશ્કેલ બનતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે રાજકોટમાં ત્રીજી મોટી એકેડેમી સ્થાપવાનું નક્કી કરાયું છે.

150 એકરના વિશાળ કેમ્પસમાં બનનારી આ નવી એકેડેમી માત્ર પરંપરાગત શારીરિક તાલીમ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને સંપૂર્ણપણે ડિજિટલ અને સ્માર્ટ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. હિરાસર એરપોર્ટ અને રાજકોટ-અમદાવાદ હાઈવેની નજીક હોવાથી શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો લાભ મળશે. આનાથી રાજ્ય અને દેશભરના ઉચ્ચ અધિકારીઓ, વિષય નિષ્ણાતો અને ગેસ્ટ લેક્ચરર્સ માટે અહીં પહોંચવું સરળ બનશે. આ એકેડેમી કાર્યરત થતાં રાજકોટ સુરક્ષા ક્ષેત્રે પણ રાજ્યનું અગ્રણી કેન્દ્ર બનીને ઉભરશે.

આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઈન ફ્રોડ ઉકેલવા માટે જવાનોને ખાસ સાયબર લેબમાં હાઈટેક તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક અને સિમ્યુલેટર આધારિત એડવાન્સ શૂટિંગ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી લાઈવ ફાયરિંગ વિના પણ સચોટ નિશાનબાજી શીખી શકાય. આ પ્રકારના આધુનિક સંસાધનો સાથે એકેડેમી તૈયાર થતાં પોલીસ દળને નવી તાકાત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande