
અમદાવાદ,22 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ જિલ્લાની બગોદરા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલી બગોદરા પાસેથી બોલેરોમાંથી વિદેશી દારૂનો 3.52 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી.
બગોદરા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલી બગોદરા પાસેથી બોલેરો ગાડીને ઉભી રખાવી તપાસ કરતાં ગાડીની વચ્ચેની શીટના કવરમાં અને ગાડીના નીચે ચોર ખાનામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 149 બોટલો મળી આવતાં પોલીસે 42,707નો વિદેશી દારૂ, 10,000નાં બે મોબાઇલ, 3,00,000ની ગાડી મળી કુલ 3,52,707નો મુદ્દામાલ કબ્જે કરીને 2 શખ્સને ઝડપી દારૂ ભરી મોકલી આપનાર અને માલ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બગોદરા પોલીસ બગોદરા ધંધુકા બ્રિજના છેડે વાહન ચેકીંગ કરી રહ્યા હતા.તે સમયે અમદાવાદ તરફથી બોલેરો આવતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હોવાની શંકા જતાં તેને ઉભી રખાવીને ગાડી ચેક કરતાં ગાડીની વચ્ચેની શીટના કવરની અંદર અને ગાડીનાં નીચેના ભાગે ચોર ખાનાંમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 149 છુટી બોટલો મળી હતી.
પોલીસે 42,707નો વિદેશી દારૂ, 10,000નાં બે મોબાઇલ, 3,00,000ની ગાડી મળી કુલ 3,52,707નો મુદ્દામાલ કબ્જે કરીને દાહોદ જિલ્લાના સજોઈ ગામના રહેવાસી ગાડી ચાલક પ્રકાશ રમણભાઈ સંગોડ અને એશન સમરસિંહ મોહનિયાને ઝડપી લઇને દારૂની બોટલો ક્યાંથી લાવ્યા છો? અને ક્યાં લઈ જવાનો છે? તેની કડક પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે અમારા ગામના વનેશ ભુરીયાએ તેના સસરા અભેસિંગ મેડાની બોલેરો ગાડીની અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી મોરબી જિલ્લામાં રહેતા રાહુલ માનસંગભાઈ ડામોરને આપવાનો હતો. જેથી માલ મંગાવનાર અને આપનારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ