માંડવીમાં માનવતાની મહેક: ત્રણ વર્ષથી નિઃશુલ્ક ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદોના ઘર સુધી પહોંચે છે રાત્રિભોજન
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જલારામ નિઃશુલ્ક ટિફિન સેવાના સેવાભાવી કાર્યને બિરદાવ્યું; નિવૃત્તિ બાદ હસમુખભાઈ ઠક્કર બન્યા માનવસેવાના પ્રેરણાસ્ત્રોત કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના માંડવીમાં માનવતા, કરુણા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી જલારામ નિ
નિઃશુલ્ક ટિફિન સેવા


સાંસદ વિનોદભાઈ ચાવડાએ જલારામ નિઃશુલ્ક ટિફિન સેવાના સેવાભાવી કાર્યને બિરદાવ્યું; નિવૃત્તિ બાદ હસમુખભાઈ ઠક્કર બન્યા માનવસેવાના પ્રેરણાસ્ત્રોત

કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના માંડવીમાં માનવતા, કરુણા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. જીવનના સંઘર્ષ વચ્ચે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો, અશક્તજનો અને આર્થિક રીતે નબળા લોકોને ભોજનની ચિંતા ન કરવી પડે તેવા ઉમદા આશય સાથે આ સેવા દ્વારા દરરોજ તેમના ઘર સુધી રાત્રિભોજનનું ટિફિન પહોંચાડવામાં આવે છે. કોઈ ભૂખ્યું ન રહે અને જરૂરિયાતમંદોને સન્માનભેર ભોજન મળી રહે તેવા સેવાયજ્ઞની સરાહના કરવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ પૂજ્ય જલારામ બાપાની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ સેવાકાર્યને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં અનેક એવા વડીલો અને અશક્ત લોકો છે, જેઓ એકલા રહેતા હોવાથી રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી અનુભવે છે. આવા લોકોના ઘર સુધી નિયમિત રીતે ભોજન પહોંચાડવું એ માત્ર સેવાકાર્ય નથી, પરંતુ માનવતાની સાચી ભાવના છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વડીલો અને અશક્તજનોને ભોજન મળી રહે તે માટે સમાજ દ્વારા થઈ રહેલા પ્રયાસો આવકારદાયક છે.

આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ, પશ્ચિમ કચ્છના પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ જોષીએ ઉપસ્થિત સેવાકાર્યકરોને આશીર્વાદ પાઠવ્યા હતા અને આ ઉમદા પ્રવૃત્તિમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાએ ટિફિન સેવા માટે બોર્ડિંગની જગ્યા ઉપલબ્ધ કરાવી હતી. એટલું જ નહીં, સેવાના પ્રારંભિક છ મહિના સુધીની વ્યવસ્થા પોતાના તરફથી કરી આપવાની તૈયારી પણ દર્શાવી હતી. માંડવી નગરપાલિકાનાં પ્રમુખ વર્ષાબેન જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સેવાપ્રવૃત્તિમાં હસમુખભાઈ ઠક્કરનું યોગદાન વિશેષ ઉલ્લેખનીય છે. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનો સમય માનવસેવા માટે સમર્પિત કર્યો છે. જરૂરિયાતમંદોના જીવનમાં રાહત અને આશાનું કિરણ બની રહેલી તેમની સેવાભાવનાને સાંસદ વિનોદભાઈ ચાવડાએ બિરદાવી હતી. માંડવીની આ ટિફિન સેવા સાબિત કરે છે કે સાચી સેવા માટે સંપત્તિ કરતાં સંવેદના અને માનવતા વધુ મહત્ત્વનાં છે. સમાજના સહયોગથી ચાલતો આ સેવાયજ્ઞ અનેક લોકો માટે ભોજનની સાથે લાગણી અને હૂંફ પણ પહોંચાડી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande