
- રાજ્યભરના અલગ-અલગ સ્થળે ડ્રગ્સ મોકલવાનું હતું
અમદાવાદ, 22 ઓકટોબર (હિ.સ.) સુરત અને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરી લીધું છે. આટલી મોટી માત્રામાં એમડી અને હેરોઇન ડ્રગ્સની સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આંતર-રાજ્ય નેટવર્ક ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ પોલીસે કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2,497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની માર્કેટ કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4,531.220 ગ્રામ હેરોઇન (જેની માર્કેટમાં કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે.
આ દરોડામાં પોલીસે કરોડો રૂપિયાની કિંમતના ઝેરી પદાર્થો સાથે ત્રણ કુખ્યાત અપરાધીઓને ઝડપી પાડ્યા હતા
ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે.
સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ સ્થળોએ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ રહે.નવી દિલ્હી સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઈન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.બીજો આરોપી મોહમ્મદ ઈમરાન અલ્વી રહે.મેરઠ, ઉત્તરપ્રદેશ, જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે. જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ રહે.નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્ક ઝડપી પાડ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ